સોનિયા ગાંધીએ RSS કાર્યકર માટે કર્યો પ્રચાર, ઓવૈસી થયા ગુસ્સે


ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમનું નિવેદન ભાજપમાંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયેલા જગદીશ શેટ્ટર માટે સોનીયા ગાંધીના પ્રચાર પર હતું. જગદીશ શેટ્ટરે કર્ણાટકમાં પક્ષ પલટો કર્યો હતો. કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવતા ઓવૈસીએ કહ્યું કે તેમને આશા નહોતી કે સોનિયા ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઉમેદવાર માટે પ્રચાર કરશે.

શું તમે આ રીતે મોદી સામે લડશો?
ઓવૈસીએ પૂછ્યું, શું આ તમારી ધર્મનિરપેક્ષતા છે? શું તમે આ રીતે મોદી સામે લડશો? AIMIM સાંસદે કહ્યું, ‘મેડમ સોનિયા ગાંધીજી, મને આશા નહોતી કે તમે RSSના લોકો માટે પ્રચાર કરવા આવશો. જગદીશ શેટ્ટાર તો RSSમાંથી છે. આ શરમજનક બાબત છે કે કોંગ્રેસ વૈચારિક લડાઈમાં નિષ્ફળ ગઈ છે અને તેમના જોકર, નોકર, ગુલામ મારા પર આરોપ લગાવે છે.
કોણ છે જગદીશ શેટ્ટાર?
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે જગદીશ શેટ્ટારને કર્ણાટકના હુબલી-ધારવાડ સેન્ટ્રલ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યાંથી તેઓ ગત વિધાનસભામાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. તે જ સમયે, કોંગ્રેસે શેટ્ટારના પક્ષમાં જોડાવાનો બચાવ કર્યો અને દાવો કર્યો કે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન RSS સાથે જોડાયેલા હોવા છતાં “સેક્યુલર વ્યક્તિ” છે.

શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, શનિવારે (6 મે) સોનિયા ગાંધીએ છેલ્લા ત્રણ વર્ષમાં તેમની પ્રથમ રેલી કરી હતી. તે રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને જગદીશ શેટ્ટાર સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા. તેમણે ‘દ્વેષ’ ફેલાવવા બદલ ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. હવે AIMIM એ આ બાબત પર વાંધો ઉઠાવ્યો છે કે કોંગ્રેસ RSS સાથે જોડાયેલા ઉમેદવાર માટે પ્રચાર કરી રહી છે.
આ પણ વાંચો: બિલાવલે ભારત જઈને પાકિસ્તાનનું અપમાન કર્યુંઃ ઇમરાન ખાન