ટોપ ન્યૂઝનેશનલ

‘Don’t talk to me’ સંસદમાં સ્મૃતિ ઈરાનીને કહ્યું સોનિયા ગાંધીએ, થઇ બબાલ 

Text To Speech

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કરેલી ટિપ્પણી પર સંસદમાં હંગામો થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીને આ મામલે માફી માંગવા પણ કહ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે બબાલ થઇ. એટલું જ નહીં સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહી દીધું કે મહેરબાની કરી મારી સાથે વાત ના કરો.

અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કરી હતી ટીપ્પણી 

અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહી દીધું હતું. જેને લઈને ભાજપે કોંગ્રેસ અને અધીર રંજન ચૌધરી પર જોરદાર નિશાન સાધ્યું હતું. જો કે અધીર રંજને બાદમાં ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે મારી જીભ લપસી ગઈ હતી. અને તે બદલ હું માફી માગું છું. ભાજપ આ બાબતને બિનજરૂરી રીતે મહત્વ આપી રહ્યું છે. બીજી તરફ સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસ આદિવાસી, ગરીબ અને મહિલા વિરોધી છે. સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસે દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર બિરાજમાન આદિવાસી અને ગરીબ પરિવારની મહિલાની ગરિમાનો અનાદર અને પ્રહાર કરીને બંધારણને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.

સૂત્રોચ્ચાર કરતા પરત ફર્યા સોનિયા ગાંધી

સ્મૃતિ ઈરાની બાદ ગૃહમાં હોબાળો થયો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. આ પછી સોનિયા ગાંધી રમા દેવી પાસે ગયા. તેમણે કહ્યું કે અધીર રંજને આ મામલે માફી માંગી છે. મારું નામ કેમ લેવામાં આવે છે? આના પર લોકસભામાં 12 વાગ્યે ગૃહ સ્થગિત થયા બાદ બીજેપી સાંસદ સોનિયા ગાંધી રાજીનામું આપોના નારા લગાવી રહ્યા હતા. સોનિયા ગાંધી સદનની બહાર જઈ રહ્યા હતા પરંતુ સૂત્રોચ્ચાર વચ્ચે સોનિયા ગાંધી પાછા ફર્યા અને રમા દેવી પાસે ગયા અને કહ્યું કે અધીર રંજન ચૌધરીએ માફી માંગી લીધી છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘કંઈક કહો’, તો તેના પર સોનિયાએ જોરથી કહ્યું કે તમે મારી સાથે વાત ન કરો. આ પછી સ્મૃતિ અને સોનિયા ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ  બબાલ 2 થી 3 મિનિટ સુધી ચાલી હતી. આ પછી બંને પક્ષના સાંસદો આવ્યા અને સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીને અલગ-અલગ લઈ ગયા.

Back to top button