અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજે રથયાત્રા નીકળે તે પહેલા ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો છે. યજમાનોએ સવારે ભગવાનની પૂજા-અર્ચના કરી. ત્યારબાદ બપોરે ભગવના જગન્નાથની આરતી ઉતારવામાં આવી..પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણકારવામાં આવ્યા છે. પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. પ્રભુ ભક્તિમાં ઓળઘોળ થયેલા શ્રદ્ધાળુઓએ પ્રભુના સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
રથયાત્રા પૂર્વે ગજરાજનું પૂજન
રથયાત્રા પૂર્વે આજે મંદિર પરિસરમાં ગજરાનનું પૂજન કરવામાં આવ્યું.. જગન્નાથ ભગવાનની યાત્રાનું સુકાન ગજરાજને સોંપવામાં આવે છે. ગજરાજ જ રથયાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ શુભ શરૂઆત કરીએ ત્યારે ગણપતિની પૂજા કરીએ છીએ એટલે જ રથયાત્રાના એક દિવસ પહેલા પરંપરાગત રીતે ગજરાજની પૂજા વિધિ કરાતી હોય છે. રથાયાત્રા નિમિત્તે ગજરાજને વિશેષ આભૂષણોથી શણગારવામાં આવતા હોય છે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ દર વર્ષની જેમ ગજરાજની પણ પૂજા કરવામાં આવી. આ પહેલાં ગજરાજના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં બધુ બરાબર હોવાનું સામે આવ્યા બાદ ગજરાજને જગન્નાથ મંદિરે લાવવામાં આવ્યા. જ્યાં તેમની પૂજા કરવામાં આવી.
સોનાવેશ માટે વિવિધ ભેટ
સોનાવેશના પ્રસંગે દર વર્ષે શ્રદ્ધાળુઓ ભગવાનને વિવિધ પ્રકારની ભેટ અર્પણ કરતા હોય છે. એક શ્રદ્ધાળુ છેલ્લા ચાર વર્ષથી ભગવાનને ચોકલેટથી બનાવેલો રથ અર્પણ કરે છે. તેમણે આ વર્ષે પણ પોતાની ભેટ અર્પણ કરવાની ભાવનાને જાળવી રાખી. તેમણે ભગવાનને ચોકલેટનો રથ અર્પણ કરીને પોતાનો ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. ચોકલેટનો આ રથ બનાવવામાં તેમને બેથી ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો હતો.