સોનમ રઘુવંશીએ સાસુ સાથે શું કરી હતી અંતિમ વાત?

ઈન્દોર, તા. 10 જૂન, 2025: ઇન્દોરના કારોબારી રાજા રઘુવંશી હત્યા કેસની હાલ તપાસ ચાલી રહી છે. આ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકો સુધી વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કોઈ નવોઢા આ પ્રકારની ઘટનાને કેવી રીતે અંજામ આપી શકે? તેમ વિચારી રહ્યા છે. રાજા રઘુવંશીની પત્ની સોનમ રઘુવંશીને પોલીસે ઝડપી લીધી હતી. મેઘાલય પોલીસ તેને શિલોંગ લઈ ગઈ છે. જ્યાં આગળની તપાસ બાદ આ હત્યાકાંડના રહસ્ય પરથી પડદો ઊંચકાવાની શક્યતા છે. આ દરમિયાન નવી માહિતી સામે આવી છે, જેમાં સોનમ અને તેની સાસુ વચ્ચેની વાતચીત બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લી વખત સોનમ અને રાજાની માતા વચ્ચે વાત થઈ હતી.
સાસુ સાથે સોનમની છેલ્લી વાતચીત
જાણકારી અનુસાર, છેલ્લી વખત સોનમ અને રાજાની માતા વચ્ચે વાત થઈ હતી. આ દરમિયાન સોનમે એવી રીતે વાત કરી હતી કે માતા ઉમાને સહેજ પણ શંકા ન થઈ. જોકે, સોનમે રાજાની વાત તેની માતા સાથે કરાવી નહોતી. તે એક તરફ રાજાની માતા સાથે વાત કરી રહી હતી અને બીજી તરફ તેના પ્રેમી સાથે મળીને રચેલી હત્યાની સાજિશને અંજામ આપી રહી હતી.
છેલ્લી વખત રાજાની માતાએ સોનમને ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજાનો ફોન ચાલુ નથી થયો, તારો ઉપવાસ હશે. તેના જવાબમાં સોનમે કહ્યું, હા મા, મેં આમને સ્પષ્ટ કહી દીધું છે કે હું ફરવા-ફરવાના ચક્કરમાં મારી અગિયારસ નહીં તોડું. આ પછી સોનમની સાસુએ કહ્યું, બેટા, અત્યારે તું ક્યાં છે? આના પર સોનમે જવાબ આપ્યો કે, મા, આ લોકો મને જંગલોમાં ફરવા લઈ આવ્યા છે. ખૂબ ઊંચી અને અઘરી ચઢાઈ છે. શ્વાસ ચઢી રહ્યો છે. પછી વાત કરું છું. આ પછી રાજાની માતાએ કહ્યું, કોઈ વાંધો નહીં બેટા, તારો ફોન લાગી ગયો, હવે અમે નિશ્ચિંત છીએ.
ઉલ્લેખનીય છે હત્યાકાંડની માસ્ટર માઈન્ડ સોનમ રઘવુંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા અને ચાર સોપારી કિલરની મદદથી ઘટનાને અંજામ આપ્યો હતો. મેઘાલય પોલીસે આ સમગ્ર ઓપરેશનનું નામ ઓપરેશન હનીમૂન રાખ્યું હતું. ઓપરેશન હનીમૂન અંતર્ગત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટીમાં 120 પોલીસકર્મી હતા. તેમાં એસપી અને ડીએસપી રેંકના અધિકારીઓ પણ સામેલ હતા.
આ પણ વાંચોઃ રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ, જાણો શું છે થીમ











