ટોપ ન્યૂઝનેશનલ

સોનાલી ફોગાટ મૃત્યુ કેસઃ આરોપી સુખવિંદરની જામીન અરજી પર સુનાવણી, કહ્યું- ‘તે હત્યા નહોતી…’

Text To Speech

સોનાલી ફોગાટ મૃત્યુ કેસમાં આરોપી સુખવિંદર સિંહ ગોવાની પણજી કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટમાં હાજર થયેલા આરોપીએ કહ્યું કે ‘સોનાલી ફોગાટની હત્યા નથી થઈ, પરંતુ તેનું મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ અને આકસ્મિક હતું’.

જણાવી દઈએ કે, હરિયાણાની બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટ 2022ના રોજ ગોવામાં અચાનક તબિયત બગડવાના કારણે અવસાન થયું હતું. સોનાલીના સંબંધીઓએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી કેસની તપાસ શરૂ થઈ અને કેસનું રહસ્ય ગુંચવતું રહ્યું. આ કેસમાં ડ્રગ્સ પેડલર સહિત અનેક લોકોના નામ સામે આવ્યા છે. સોનાલીના ભાઈ રિંકુએ તેની બહેનના સહયોગી સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાન વિરુદ્ધ ગોવા પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો હતો. પરિવારે આરોપ લગાવ્યો હતો કે સુધીર અને સુખવિંદરે સોનાલીની સંપત્તિ હડપ કરવા માટે નશો આપીને તેની હત્યા કરી હતી.

છેલ્લા ત્રણ પ્રયાસોમાં જામીન મળ્યા ન હતા

આરોપી સુખવિંદર સિંહે ગયા વર્ષના અંતમાં 30 ડિસેમ્બરે ગોવાની માપુસા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સુખવિંદરના વકીલ સુખવંત સિંહ ડાંગીએ દલીલ કરી હતી કે તેમના અસીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો કારણકે CBI ચાર્જશીટમાં કથિત હત્યાનો હેતુ બતાવી શકી નથી.

સુખવિંદરને 30 ડિસેમ્બરે જામીન મળી શક્યા ન હતા. આ પછી, આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ થઈ. તે દિવસે CBIએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું કે આરોપી જામીન મેળવવા પર સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. સુખવિન્દરના વકીલે એ જ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે તેમના અસીલને જાણી જોઈને ફસાવવામાં આવ્યા હતા. આ પછી, જામીન અરજી પર સુનાવણી 20 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. 20 જાન્યુઆરીએ જજ રજા પર હતા જેના કારણે સુનાવણી થઈ શકી ન હતી. ત્યારબાદ, આજે આરોપી કોર્ટમાં હાજર થયો હતો.

ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવી?

સોનાલી ફોગાટ મૃત્યુ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. ગયા વર્ષે 22 નવેમ્બરે CBIએ ગોવાની માપુસા કોર્ટમાં સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાન વિરુદ્ધ અઢી હજાર પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. બંને આરોપીઓના નિવેદનો પણ ચાર્જશીટમાં સામેલ છે. CBI દ્વારા માપુસા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

Back to top button