વેરાવળ, 24 જુલાઈ 2024, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અન્ય બ્રાહ્મણો પાસે પૂજા પાઠ કરાવવા મામલે સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે.ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવા આજે સવારથી સોમપુરા તીર્થ પુરોહિતો ધરણાં પર બેઠા હતા. તેમને પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ પોલીસ સ્ટેશનમાં તીર્થ પુરોહિતોની મુલાકાત દરમિયાન આજના દિવસને સોમનાથ માટે કલંકિત દિવસ ગણાવ્યો હતો.
પોલીસે અટકાયત કરતાં મંત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા
કેટલાક સમયથી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેનો કોઈ ઉકેલ ના આવતાં આજે સવારથી મંદિર પરિષદની બહાર સોમપુરા બ્રહ્મ સમાજના તીર્થ પુરોહિતો દ્વારા ઉપવાસ છાવણીમાં બેસી ધરણાં શરૂ કર્યા હતાં. ટ્રસ્ટના સેક્રેટરી ‘યોગેન્દ્ર દેસાઈ હાય હાય’ના નારા લગાવ્યા હતા. જેથી પોલીસ સ્ટાફ દ્વારા તીર્થ પુરોહિતોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનની લોબીમાં બેસીને તીર્થ પુરોહિતો દ્વારા ટ્રસ્ટના આકરા વલણ સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.
બ્રાહ્મણોની માંગમાં કોંગ્રેસના નેતાઓ પણ કૂદ્યા
પોલીસની કાર્યવાહીના વિરોધમાં સોમપુરા બ્રહ્મ સમાજના આગેવાનોએ સ્ટેશનમાં જ ધરણાં ચાલુ કર્યાની જાહેરાત કરી હતી. ઉપવાસ પર બેસેલી એક મહિલાની તબિયત લથડી જતાં 108 સેવાને બોલાવી સારવાર આપવામાં આવી હતી. આ ઉપવાસની જાણ થતાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પોલીસ સ્ટેશને પહોંચી તીર્થ પુરોહિતો પાસેથી સમગ્ર મામલો જાણ્યો હતો. બાદમાં બંને નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે આજનો દિવસ સોમનાથ માટે કલંકિત સમાન છે અને સોમનાથ ટ્રસ્ટે સોમપુરા સમાજની માગ સત્વરે સ્વીકારવી જોઈએ.
આ પણ વાંચોઃગેનીબેને સંસદમાં મુદ્દો ઉઠાવ્યોઃ ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવી રહ્યો છે