ભારતમાં જલ્દી જ કંઇક મોટું થવાનું છે: હિંડનબર્ગ રિસર્ચની ચેતવણીથી ફરી વધ્યું ટેન્શન
- હિંડનબર્ગ રિસર્ચે ભારતીય કંપની સાથે સંબંધિત વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા
નવી દિલ્હી, 10 ઓગસ્ટ: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ યાદ જ હશે…હવે આજે શનિવારે તેમણે બીજી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. આજે સવારે ઇલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને, અમેરિકન કંપનીએ ભારતીય કંપની સાથે સંબંધિત વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા છે. હિંડનબર્ગ રિસર્ચે તેમની આ પોસ્ટમાં લખ્યું છે કે “ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે.”
જો કે, હિંડનબર્ગ રિસર્ચે વધુ વિગતો શેર કરી નથી. હિંડનબર્ગ રિસર્ચે કયા વિષયે અને શું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. તેમની ચેતવણીના સંદર્ભમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
હિંડનબર્ગના અગાઉના અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો
જાન્યુઆરી 2023માં, હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને ટારગેટ બનાવતો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો કારણ કે હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવતાની સાથે જ અદાણી ગ્રૂપના તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી વિશ્વના નંબર 2 અબજોપતિ બન્યા બાદ 36માં સ્થાને સરકી ગયા હતા, કારણ કે તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
વેલ્યુએશનમાં 86 અબજ ડોલરનો ઘટાડો થયો હતો
24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ તેમના તમામ શેર્સમાં ભારે ઘટાડો થયો હતો, ત્યારબાદ કંપનીના વેલ્યુએશનમાં પણ ઝડપથી ઘટાડો નોંધાયો હતો. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે, અદાણી ગ્રૂપનું વેલ્યુએશન થોડા દિવસોમાં 86 બિલિયન ડોલર ઘટી ગયું હતું. શેરના ભાવમાં થયેલા આ મોટા ઘટાડા બાદથી ગ્રૂપના ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડનું પણ ભારે વેચાણ થયું હતું.
SEBIએ હિંડનબર્ગને નોટિસ પાઠવી હતી
આ વર્ષે જૂનમાં, હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર ચર્ચામાં આવી ગયું હતું જ્યારે તેમણે જાહેર કર્યું કે મૂડી બજાર(Share Market)ના નિયમનકાર સેબીએ તેમના વિરુદ્ધ ભારતીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને નોટિસ જારી કરી હતી. આ ઘટનાક્રમ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, કારણ કે હિંડનબર્ગ રિસર્ચે પ્રથમ વખત તેમના અહેવાલમાં કોટક બેંકને સ્પષ્ટ રીતે ઓળખાણ કરી. પરિણામે, આ ઘટસ્ફોટના કારણે કોટક બેંકના શેરના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો, જે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જૂન પછીથી તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો.
હિંડનબર્ગે કહ્યું હતું કે, 27 જૂન, 2024ના રોજ ભારતીય બજાર નિયમનકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ ‘બકવાસ’ છે. તેને એક પૂર્વ નિર્ધારિત હેતુને પરિપૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવાનો અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સેબીની નોટિસમાં મોટો ખુલાસો થયો
સેબીની નોટિસમાં જાણવા મળ્યું કે, કિંગ્ડન કેપિટલે કોટક મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (KMIL)માં નોંધપાત્ર રોકાણ કર્યું છે. તે જાણવા મળ્યું છે કે કિંગ્ડન કેપિટલે તાજેતરના અહેવાલને કારણે બજારની અસ્થિરતાનો લાભ લીધો હતો. કંપનીએ અહેવાલ બહાર આવે તે પહેલાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)માં શોર્ટ પોઝિશન સ્થાપિત કરવા 43 મિલિયન ડોલર ફાળવીને વ્યૂહાત્મક પગલું ભર્યું. ત્યારપછી, કિંગ્ડન કેપિટલે આ પોઝિશન્સને સફળતાપૂર્વક બંધ કરી દીધી, જેનાથી 22.25 મિલિયન ડોલરનો નફો કર્યો.
આ પણ જૂઓ: દેશનો વિદેશી મુદ્રા ભંડાર $674.919 બિલિયનની નવી વિક્રમી ટોચે પહોંચ્યો