છોટાઉદેપુરઃ નસવાડી તાલુકામાં ભાજપ દ્વારા પોસ્ટર લગાવવા આવ્યા છે, જેમાં વડાપ્રધાનથી લઈને દરેક નેતાના ફોટા પોસ્ટરમાં છે. ત્યારે આ પોસ્ટરમાં વારંવાર વિવાદોમાં આવતા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય પણ છે. જો કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના ફોટા ઉપર કાળો કલર મારી દેતા સમગ્ર નસવાડી પંથકમાં ચર્ચા શરૂ થઈ છે.
ધારાસભ્યના ફોટા ઉપર કાળો કલર મારવાની ઘટનાને લઈને કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે ભાજપમાં જૂથવાદ છે અને જેને લઇને ધારાસભ્યના ફોટા ઉપર કાળો કલર મારવામાં આવ્યો હોય શકે છે. જોકે આ સમગ્ર મામલે ભાજપના મહામંત્રીએ જણાવ્યું કે- આ અંગે અમે તપાસ કરીશું અને કાર્યવાહી કરીશું.
આ પહેલાં પણ ધારાસભ્યના પોસ્ટર પર કાળો કલર લગાવાયો હતો
જો કે આ અગાઉ પણ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના ફોટા ઉપર સંખેડા તાલુકાના બહાદુરપુર ખાતે પણ ફોટા ઉપર કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો. જ્યારે ફરી આજે નસવાડી પેટ્રોલ પંપ પાસે ભાજપ દ્વારા જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે, તેમાં ધારાસભ્યના ફોટા ઉપર કોઈ ઈસમ દ્વારા કાળો કલર લગાવી દેતા સંખેડા ધારાસભ્યની છબી ખરાબ કરવા માટે આવું કૃત્ય કરાઈ રહ્યું હોવાના આક્ષેપ સંગઠન કરી રહ્યું છે.
વિપક્ષના આક્ષેપ ભાજપમાં જૂથવાદ છે
વિપક્ષના આક્ષેપ મુજબ ભાજપમાં જુથવાદ સપાટી પર છે. સંખેડા વિધાનસભામાં ત્રણથી વધુ દિગ્ગજ નેતાઓએ વિધાનસભા ચૂંટણીની ઈચ્છા દર્શાવી છે અને ટિકિટ માંગી રહ્યા છે. ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે વિપક્ષ પણ ભાજપમાં જૂથવાદ હોવાનું જણાવી રહ્યાં છે.
પોસ્ટર પર કાળી શાહીને લઈને ચર્ચાનો દૌર શરુ
ધારાસભ્ય અભેસિંહ તડવી અવારનવાર વિવાદમાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ વર્ષે ભારે વરસાદ પડતાં અને અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ત્યારે આ નુકસાનીના ભાગરૂપે સર્વે કરવામાં આવ્યો પરંતુ આજદિન સુધી નુકસાનીની ભરપાઈ કરાઈ નથી. માત્ર મોટા મોટા વાયદા કરતા નસવાડીના ધારાસભ્ય અભેસિંહ તડવીને જનતા પણ ક્યાંકને ક્યાંક ના પસંદ કરી રહી છે, ત્યારે કોઈ નારાજ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.