ગુજરાતનાં બેરોજગાર યુવાનોના નામે મુંબઈના ગઠિયાઓનું કરોડોનું હવાલા કૌભાંડ


- યુવકને 18 કરોડ રૂપિયાની ઈન્કમટેક્સની નોટિસ મળી
- બેન્ક એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા
- કરોડો રૂપિયાનો વ્યવહાર દેશ-વિદેશની બેન્કો અને કંપનીઓ સાથે કર્યા
આંતરરાજ્ય મુખ્ય શહેરોના ગરીબ અને મધ્યમવર્ગના બેરોજગાર યુવકોને નોકરી પર રાખી તેમના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનો વ્યવહાર દેશ-વિદેશની બેન્કો અને કંપનીઓ સાથે કર્યા હોવાના વ્યવસ્થિત હવાલાકાંડમાં અમદાવાદમાં એક યુવકને 18 કરોડ રૂપિયાની ઈન્કમટેક્સની નોટિસ મળતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
વડોદરા, અમદાવાદ, ગાંધીધામ, મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં વિવિધ કંપનીઓની ઓફિસો ખોલી
વડોદરા, અમદાવાદ, ગાંધીધામ, મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં વિવિધ કંપનીઓની ઓફિસો ખોલી તેમાં બેરોજગાર યુવાનોને નોકરી પર રાખી તેમના નામથી બેન્ક એકાઉન્ટ ખોલાવી દેવાતા હતા. યુવકોના નામનું અલગ સીમકાર્ડ ખરીદ કરી મોબાઇલ નંબર, પાન કાર્ડ, આધાર કાર્ડ જેવા પુરાવા બેન્કમાં રજૂ કરી તેના એકાઉન્ટ ઓનલાઇન ઓપરેટ કરી કરોડો રૂપિયાની દેશ-વિદેશની બેન્કો અને કંપનીઓમાં હેરાફેરી કરવામાં આવતી હતી.
બેન્ક એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા
આ કૌભાંડ વર્ષ 2021થી 2023 દરમિયાન થયું હતું. આ કૌભાંડમાં બેરોજગાર યુવાનોને નોકરીએ રાખ્યા પછી તેમને બોગસ કંપનીઓના ડાયરેક્ટર કે મેનેજિંગ ડાયરેક્ટર બનાવી તેઓના નામના બેન્ક એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં મુંબઈના મુખ્ય સૂત્રધાર વિનોદ હિરામન શિંદે, સાજીદઅલી યુસુફઅલી અન્સારી, દિપક કાથા, ભગવાનદાસ સાહુ અને સુજોય બેનરજી હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. વડોદરામાં બેથી ત્રણ કંપની ખોલી જેમાં સુનીલ ભાલેકર, શૈલેષ ખુંટ અને શરદ કદમના બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર દેશ અને વિદેશની બેન્કોમાં કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: ટ્રાફિકની વકરતી સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસની 50 ટકા જગ્યા હજુ ખાલી