ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી વધતા કેટલાક વાલીઓએ આ નિર્ણય કર્યો છે. જેમાં તેમના બાળકોને હવે ફ્રિમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 2021-22ના સત્રમાં 3.5 લાખ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં ગયા છે. તેમાં કોરોનામાં રોજગારી પર માર પડતા વાલીઓ સરકારી સ્કૂલો તરફ વળ્યાં છે. જેમાં વાલીઓએ પ્રાઇવેટ સ્કૂલોમાંથી સંતાનોને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.
વાલીઓને ખાનગી સ્કૂલોની ફી પરવડવાની સમસ્યા થઇ
કોરોનાના કપરાં બે વર્ષ દરમિયાન ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં એક નવતર વલણ જોવા મળ્યું હતું. કોરોના શરૂ થયો તે અને તેના પછીના વર્ષમાં રાજ્યની ખાનગી સ્કૂલોમાંથી આશ્ચર્યજનક રીતે વાલીઓએ પોતાના સંતાનોને ઉઠાડી સરકારી સ્કૂલોમાં મુકવા માંડયા હોવાનું બહાર આવ્યું છે. જો કે, જેવો કોરોનાનો કેર
લગભગ સમાપ્ત થયો અને નિયંત્રણો ઉઠયાં છે. ત્યારે સ્થિતિ સામાન્ય થવા માંડી તે ગાળામાં સરકારીમાંથી ખાનગી સ્કૂલોનુ પ્રમાણ પૂર્વવત્ થયું છે. આ બે વર્ષમાં મોટાભાગે રોજગારી પર કારમી અસર પડતાં વાલીઓને ખાનગી સ્કૂલોની ફી પરવડવાની સમસ્યા થતાં આ વલણ વધ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
3.5 લાખ વિદ્યાર્થીઓ ખાનગીસ્કૂલોમાંથી ઉઠાડી લેવાયા
છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર નાખતા 2020-21ના શૈક્ષણિક સત્રમાં એટલે કે કોરોના હજુ શરૂ જ થયો હતો અને મહામારી ગંભીરરૂપે ફેલાઈ નહોતી છતાં આગમન થઈ ગયું હતું. ત્યારે રાજ્યની ખાનગી શાળાઓમાંથી 2.85 લાખ વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે કોરોના રાજ્યમાં ચરમસીમાએ પહોંચ્યો અને તે જ ગાળાનું એટલે કે 2021-22ના શૈક્ષણિક સત્રમાં આ વલણ પણ ચરમસીમાએ હતું. એ વર્ષે 3.5 લાખ વિદ્યાર્થીઓ ખાનગીસ્કૂલોમાંથી ઉઠાડી લેવાયા અને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો હતો.
2022-23ના શૈક્ષણિક સત્રમાં આ પ્રકારનું માઈગ્રેશન ફરી ઘટી ગયું
કોરોનાની ચિંતા લગભગ દૂર થતાં 2022-23ના શૈક્ષણિક સત્રમાં આ પ્રકારનું માઈગ્રેશન ફરી ઘટી ગયું અને માત્ર 2.25 લાખ વિદ્યાર્થીઓએ જ સ્કૂલો બદલી હતી. જે સરેરાશ દર વર્ષે ખાનગીમાંથી સરકારીમાં થતું માઈગ્રેશન ગણાવાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં આ સૌથી વધુ હતું. 2018-19થી 2022-23ના સમયગાળામાં 2.14 લાખ વિદ્યાર્થીઓ અમદાવાદની ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલો તરફ વળ્યાં હતાં.