અમુક કાશ્મીરીઓ કદી નહીં સુધરે! હવે મોહરમ નિમિત્તે કયો કાંડ કર્યો, જાણો

શ્રીનગર, 4 જુલાઈ, 2025: iran palestine flags in muharram procession in srinagar કાશ્મીર ખીણના લોકો માટે સરકાર તેમજ દેશના અન્ય લોકો ગમે તેટલી સહાનુભૂતિ રાખે અને તેમને દેશના મુખ્ય પ્રવાહમાં ભેળવવા પ્રયાસ કરે છતાં અહીંના અમુક લોકો તેમનો પેલેસ્ટીન પ્રત્યેનો લગાવ છોડી શકતા નથી. આવું જ આજે શુક્રવારે જોવા મળ્યું શ્રીનગર સહિત ખીણના અમુક વિસ્તારોમાં.
શ્રીનગરમાં આજે મોહરમ જુલૂસમાં ઈરાન અને પેલેસ્ટાઈનના ઝંડા લહેરાયા, ખામેનઈ અને હિઝબુલ્લાહ કમાન્ડરના ફોટા પણ જોવા મળ્યા હતા. શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 8મી મુહર્મમનું માતમી જુલૂસ ગુરુ બજારથી શ્રીનગરના ડલગેટ સુધી યોજાયું. શુક્રવારે યોજાયેલા આ જુલૂસમાં કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાંથી શિયા સમુદાયના લોકોએ ભાગ લીધો. આ શોક જુલૂસમાં અનેક જગ્યાએ ઈરાનના ધાર્મિક નેતાઓ અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા ઉચ્ચ ઈરાની કમાન્ડરો તથા હિઝબુલ્લાહ કમાન્ડર હસન નસરલ્લાહના ફોટા અને બેનરો લગાવવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રશાસન અને પોલીસે જાહેર સ્થળોએથી ઈરાન અને હિઝબુલ્લાહ સાથે સંકળાયેલા ઝંડા હટાવ્યા હતા. જોકે, મોહરમ જુલૂસ દરમિયાન ફરીથી આવા ઝંડા જોવા મળતાં વિવાદ વધ્યો. બડગામમાં પણ મોહરમ જુલૂસ દરમિયાન આવાં જ દશ્યો જોવાં મળ્યાં. જુલૂસમાં સામેલ લોકોએ ઈરાનના સમર્થનમાં નારેબાજી પણ કરી. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં માર્યા ગયેલા મોટા કમાન્ડરોના ફોટા પણ જુલૂસમાં જોવા મળ્યા.
આ પણ વાંચોઃ ‘થૂંક જેહાદ’ વિરુદ્ધ સીએમ ધામીએ અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા, જાણો શું કહ્યું
ઈરાન અને પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવવા અને તેમના સમર્થન ઉપરાંત, કેટલાક લોકોએ ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. જુલૂસમાં સામેલ શિયા લોકોએ જણાવ્યું કે આ પ્રદર્શન કાશ્મીરના શિયા સમુદાય અને ઈરાન-પેલેસ્ટાઈનના ભૂ-રાજકીય સંઘર્ષો વચ્ચેના ઐતિહાસિક અને ભાવનાત્મક સંબંધને દર્શાવે છે, જેને ઘણીવાર જુલમ સામે પ્રતિકાર તરીકે જોવામાં આવે છે. જુલૂસની સુરક્ષા માટે ચોક્કસ વ્યવસ્થા હતી. બધા સુરક્ષાકર્મીઓ અત્યંત સાવચેત હતા. આખા માર્ગને ટ્રાફિક મુક્ત રાખવામાં આવ્યો હતો, જેથી જુલૂસ સરળતાથી આગળ વધી શકે. અન્ય રાજ્યોની જેમ અહીં તાજિયાના કદ પર કોઈ પ્રતિબંધ નથી.
1990ના દાયકામાં કાશ્મીરમાં થયેલા કાશ્મીરી પંડિતો વિરોધી આતંકવાદી હુમલાઓને કારણે મોહરમના જુલૂસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ 2023માં તત્કાલીન ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ હટાવ્યો હતો. 2023થી દર વર્ષે આ જુલૂસ શ્રીનગરના ગુરુ બજારથી શરૂ થઈને પરંપરાગત માર્ગે જહાંગીર ચોક, બાદશાહ ચોક, મૌલાના આઝાદ રોડ થઈને ડલગેટ પહોંચે છે. ડલગેટમાં આ જુલૂસનું સમાપન થાય છે. સારા સમાચાર એ છે કે આ વર્ષે પણ મુહર્મમના જુલૂસમાં ક્યાંયથી કોઈ પ્રકારની હિંસા કે અપ્રિય ઘટનાના સમાચાર નથી આવ્યા.











