PM ને મળીને ભાવુક થયા સોમાભાઇ, આપી સલાહ


આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. વડાપ્રધાન મોદી પોતાનો કિંમતી વોટ આપવા રાણીપમાં આવેલી નિશાન સ્કુલમાં ગયા હતા. વોટ આપ્યા બાદ પીએમ અહીં સોમેશ્વર સોસાયટીમાં પોતાના મોટાભાઇ સોમાભાઇ મોદીને મળવા ગયા હતા. પીએમ બન્યા બાદ મોદી પહેલીવાર મોટાભાઇના ઘરે ગયા હતા. PMને મળીને સોમાભાઇ ભાવુક થઇ ગયા હતા.
ઘણા સમય બાદ નાના ભાઇને પોતાના ઘરના મહેમાન બનેલા જોઇને સોમાભાઇ હરખાઇ ગયા હતા અને સાથે સાથે ઇમોશનલ પણ થયા હતા. સોમાભાઇએ નરેન્દ્ર મોદીને કાનમાં એક વાત પણ કહી. તેમણે કહ્યુ કે તું દેશ માટે ઘણું કામ કરે છે, હવે તારે થોડો આરામ પણ કરવો જોઇએ.
બીજા તબક્કાના મતદાનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ સોમાભાઇએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના ભાઇને કહ્યુ કે 2014 બાદ કેન્દ્ર સરકાર જે પ્રકારે કામ કરે છે તેને જનતા નજરઅંદાજ ન કરી શકે. દેશ માટે તમે ઘણું જ સારુ કામ કરી રહ્યા છો, પરંતુ હવે થોડો આરામ પણ કરવો જોઇએ. મતદાતાઓને સંદેશ આપતા સોમાભાઇએ કહ્યુ કે તમારા મતનો યોગ્ય ઉપયોગ કરો, એવી પાર્ટીને વોટ આપજો જે દેશનો વિકાસ કરે.