- કંપનીઓ જવાબદારીમાંથી છટકી જતાં નાગરિકો અસમંજસમાં
- સોલાર પેનલમાં 25 વર્ષના મેઈન્ટેનન્સની જવાબદારી
- વાવાઝોડુ ત્રાટકે તો પવનચક્કી, રૂફટોપની સોલાર પેનલ તુટશે
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો મંડાયેલો ખતરો વિનાશ સર્જી શકે છે. તેમાંથી પવનચક્કી અને રૂફટોપની સોલાર પેનલો પણ બાકાત રહે તેમ નથી. જો વાવાઝોડુ ત્રાટકશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાપિત કરાયેલી પવનચક્કીઓને મોટાપાયે નુકસાન થઈ શકે છે. આવી જ રીતે ઘર પર લગાવાયેલી સોલાર પેનલોમાં પણ મોટું નુકસાન થવાનું જોખમ ઉભું થયું છે.
વાવાઝોડુ ત્રાટકે તો પવનચક્કી, રૂફટોપની સોલાર પેનલ તુટશે
બે દાયકા અગાઉ સૌરાષ્ટ્રમાં લાંબાના દરિયાકિનારે પવનચક્કીઓ હતી. પરંતુ બે દાયકામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનચક્કીઓની સંખ્યા હજારો પર પહોંચી ગઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જાણે પવનચક્કીઓનું જંગલ ઉભું થઈ ગયું છે. આવી જ રીતે છેલ્લા પાંચેક વર્ષમાં સોલાર રૂફ ટોપ પોલિસીના લીધે બંગ્લોઝ, ટેનામેન્ટ, રો-હાઉસની છતો પર સોલાર પેનલોનો ખડકલો થઈ ગયો છે. હવે જ્યારે બિપરજોય વાવાઝોડાનો ખતર મંડરાયો છે ત્યારે પવનચક્કી અને રૂફટોપની સોલાર પેનલો પર પણ જોખમ ઉભું થયું છે. પવનચક્કી ચાલુ કે બંધ અવસ્થામાં તેજ પવનની કેટલી ઝીંક ઝીલી શકશે તે કોયડો છે. જો ઓપરેશન મોડમાં રાખવામાં આવે તો પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. અને જો સ્થિર સ્થિતિમાં રાખવામાં આવે તો તેની બ્રેક, પાંખડા, મેઈન પોલ સહિતનાને નુકસાનીનો ડર રહે છે. જેને લઈને પવનચક્કીના માલિકો હાલ ઉંડી ચિંતામા ગરકાવ થઈ ગયા છે.
25 વર્ષના મેઈન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી
આવી જ રીતે સોલાર રૂફટોપ પોલિસી અંતર્ગત જે કંપનીઓને એમ્પેનલ્ડ કરાઈ છે તેઓને 25 વર્ષના મેઈન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી છે. એ શરતે ઘરે-ઘરે સોલાર પેનલો લગાવાઈ છે. હવે આ પેનલો પણ ભારે હવા ફૂંકાય તો ઉડવાની, તૂટવાની કે અન્ય નુકસાન પહોંચવાની ભીતિ પેદા થઈ છે. હાલ તો આ બન્ને ઉર્જાના સ્ત્રોત પેદા કરનારા સાધનોમાં લાખોઅને કરોડોની નુકસાની થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.
કંપનીઓ જવાબદારીમાંથી છટકી જતાં નાગરિકો અસમંજસમાં
સોલાર રૂફટોપ પોલિસી અંતગત્ સરકારે જે કંપનીઓને એમ્પેનલ્ડ કરી છે તેઓની સાથે કરાર કરાયા છે કે તેમણે રપ વર્ષ સુધી તમામ પ્રકારનું મેઈન્ટેનન્સ ભોગવવાનું રહેશે. આમ છતાં કંપનીઓ જવાબદારીમાંથી છટકી રહી છે જો સોલાર પેનલોને નુકસાન પહોંચશે તો કંપની તેની કોઈ જવાબદારી નહીં લે. આના લીધે સોલાર સિસ્ટમ ફીટ કરાવનારાઓ હાલ સાવચેતીના ભાગરૂપે સોલાર પેનલો છુટી કરીને નીચે ઉતારી રહ્યાં છે.