જામનગરમાં SOGની કાર્યવાહી, 2.65 લાખનું 555 કિલો ભેળસેળયુકત ઘી કબજે કર્યું
જામનગર, 8 ડિસેમ્બર 2023, જામનગર સહિત રાજયમાં હાલ નકલીઓની બોલબાલા જોવા મળી રહી છે, એક પછી એક નકલી ચિજવસ્તુઓ અને હવે તો બોગસ કચેરીઓ, નકલી નાકા પકડાઇ ચુકયા છે ત્યારે જામનગર એસઓજીની ટુકડીએ અહીંના દિ.પ્લોટ-49માં બાતમીના આધારે મકાનમાં દરોડો પાડીને ભેળસેળયુકત ઘીનો જંગી જથ્થો પકડી લીધો છે, 2.65 લાખની કિંમતના 555 કીલો ઘી મળી આવતા ચકચાર મચી ગઇ છે.
પોલીસે બાતમીને આધારે દરોડા પાડીને ઘી ઝડપ્યું
મળતી માહિતી મુજબ, જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતી કરનારા ઇસમો વિરુઘ્ધ અસરકાર કામગીર કરવા સુચના કરી હતી, જેથી જામનગર એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ આર.એચ. બારના માર્ગદર્શન મુજબ સ્ટાફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.દરમ્યાન એસઓજી સ્ટાફના હર્ષદભાઇ ડોરીયા, દિનેશ સાગઠીયા, અનિરુઘ્ધસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ – 49માં આવેલ ચિરાગ મનસુખલાલ હરીયા પોતાના રહેણાંક મકાને બનાવટી ઘીનું વેચાણ કરે છે.
ઘીનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી ગઇ
જે બાતમીના આધારે એસઓજી ટુકડીએ ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખી મકાને જઇ તપાસની કાર્યવાહી કરી હતી, જેમાં શંકાસ્પદ ભેળસેળયુકત ઘીના 15 કીલોના પતરાના 15 ડબા તથા 10 કીલોના 5 ડબા અને 15 કીલોના ટીનના 17 કીટલા મળી આવ્યા હતા, કુલ 555 કિલો, કિ. 2.65 લાખનો ભેળસેળયુકત ઘીનો જથ્થો મળી આવતા આ ભેળસેળ ઘીમાંથી ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટુકડીએ પૃથકરણ માટે સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દિ.પ્લોટ વિસ્તારમાં નકલી ઘીનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી.
આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા 11 હેલ્થવર્કર ઝડપાયા