… તો ચૂંટણી દાન કેવી રીતે લેવું? ચિદમ્બરમે કાયદેસર રીતે ફંડ લેવાના આપ્યા 3 વિકલ્પો
નવી દિલ્હી, ૧૫ માર્ચ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે(P Chidambaram) ઇન્ડિયા ટુડે કોન્ક્લેવના બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આગામી લોકસભા ચૂંટણી, ઈલેક્ટોરલ બોન્ડ (electoral bond) અને મોદી સરકાર વિશે ખુલીને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી બોન્ડ્સે એક રીતે લાંચને કાયદેસર બનાવી દીધી છે અને તેનો સૌથી વધુ ફાયદો શાસક પક્ષને થયો છે. તેમણે કહ્યું કે જે દિવસે ઈલેક્ટોરલ બોન્ડને મંજૂરી આપવામાં આવી હતી, મેં એ જ દિવસે કહ્યું હતું કે લાંચને કાયદેસર મંજૂરી આપવામાં આવી છે અને હું આજે પણ મારી વાત પર અડગ છું.
ચિદમ્બરમે ચૂંટણી બોન્ડ પર શું કહ્યું?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમારા મતે, ઈલેક્ટોરલ બોન્ડની જગ્યાએ કઈ સિસ્ટમને મંજૂરી આપવી જોઈએ? તેના પર ચિદમ્બરમે કહ્યું કે બે-ત્રણ રસ્તા છે. પ્રથમ, ચૂંટણી પંચે મહત્તમ ખુલ્લા પ્રચારની મંજૂરી આપવી જોઈએ. પરંતુ કમિશને તેના પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. ગયા વર્ષે અમે તમિલનાડુની ચૂંટણીમાં એક પણ રોડ શો કરી શક્યા ન હતા. હવે ચૂંટણીઓ સોશિયલ મીડિયા પર વધુ લડાઈ રહી છે.
તેમણે કહ્યું કે બીજો ઉપાય એ છે કે ઉમેદવારોને ચૂંટણીમાં મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવા દેવા. જ્યારે મેં 1984માં ચૂંટણી લડી ત્યારે એક દિવસ માટે કારનું ભાડુ 400 થી 500 રૂપિયા હતું. આજકાલ એક દિવસ માટે 4000 થી 5000 રૂપિયામાં કાર ભાડે મળે છે. ચૂંટણી ઓછા પૈસાથી નથી લડાતી. ત્રીજી પદ્ધતિ રાજ્ય ભંડોળ છે, આનાથી તમામ રાજકીય પક્ષોને આપવામાં આવતા દાનમાં પારદર્શિતા આવશે.
કોંગ્રેસના પતન પર ચિદમ્બરમે કહ્યું કે ભાજપ વધુને વધુ મતદારોને આકર્ષવામાં સફળ રહી છે અને તેથી જ તેની જીત થઈ છે. પરંતુ કોંગ્રેસ પુનરાગમન કરી શકશે કે કેમ તે પ્રશ્ન છે. મને લાગે છે કે અમને કર્ણાટક, તેલંગાણા અને હરિયાણામાં ગત વખત કરતાં વધુ સીટો મળશે. પરંતુ હું ઉત્તર ભારતના હિન્દીભાષી રાજ્યો વિશે કોઈ અનુમાન લગાવી શકતો નથી.
દેશમાં હિંદુત્વની લહેર અંગેના સવાલ પર ચિદમ્બરમે કહ્યું કે જો ઉત્તર ભારતના હિન્દીભાષી વિસ્તારોમાં હિંદુત્વની લહેર હશે તો ત્યાંના લોકો તે પ્રમાણે મતદાન કરશે. પરંતુ તેનાથી લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને તેઓ સંઘર્ષ કરતા રહેશે. તેમણે કહ્યું કે આ વોટ કોઈ ખાસ પાર્ટીને નહીં જાય પરંતુ આ વોટ હિંદુત્વના નામે નાખવામાં આવશે.
NDA ગઠબંધનમાં ભત્રીજાવાદની ભરમાર
પરિવારવાદ પરના તાજેતરના વિવાદ પર ચિદમ્બરમે કહ્યું કે ઓછામાં ઓછા તે પક્ષો જે તેમના જોડાણમાં પરિવારવાદ ધરાવે છે તેઓએ પરિવારવાદ વિશે વાત કરવી જોઈએ નહીં. અકાલી દળથી લઈને જેજેપી, આઈએનએલડી, આરએલડી અને ટીડીપી સુધી દરેક વંશવાદ સાથે જોડાયેલા છે. જો તમે તેની વિરુદ્ધ છો તો તમે તેમની સાથે ગઠબંધનમાં કેવી રીતે જોડાયેલા છો.
મોદીના ત્રીજા કાર્યકાળમાં બંધારણમાં ફેરફાર થશે
ચિદમ્બરમે કહ્યું કે મને ડર છે કે જો ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે લોકસભા ચૂંટણી જીતશે તો બંધારણમાં ઘણા સુધારા થશે. પછી તમારે, મારે અને આપણે બધાએ પસ્તાવવનો વારો આવશે. ભાજપે ખુલ્લેઆમ કહેવું જોઈએ કે તેઓ ચૂંટણી જીત્યા બાદ બંધારણમાં ફેરફાર નહીં કરે. પરંતુ હું જાણું છું કે તેઓ એવું કહેશે નહીં.
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની સંભાવનાઓ સાથે જોડાયેલા પ્રશ્ન પર પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે ભાજપના તમામ દાવાઓ છતાં પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કોંગ્રેસ જીતશે. હું કહી શકતો નથી કે અમે સરકાર બનાવીશું કે નહીં. પરંતુ ઘણા રાજ્યોમાં ચોક્કસપણે જીતશે.