આસામ પોલીસે બાળ લગ્ન સામે રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં 2,200 થી વધુ લોકોની ધરપકડ કરી છે. બાળ લગ્નના કેસમાં વિશ્વનાથમાં 139, બરપેટામાં 130, ધુબરીમાં 126, બક્સામાં 123, બોંગાઈગાંવમાં 117, નાગાંવમાં 101, કોકરાઝારમાં 94, કામરૂપમાં 85, ગોલપારા અને ઉદલગુરી જિલ્લામાં 84-84 લોકો બાળ લગ્નના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આસામ પોલીસે 5 ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં બાળ લગ્ન સંબંધિત કેસોમાં 2278 લોકોની ધરપકડ કરી છે અને 4074 કેસ નોંધ્યા છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શનિવારે જાહેરાત કરી હતી કે રાજ્ય પોલીસનું બાળ લગ્ન વિરોધી અભિયાન 2026 માં આગામી વિધાનસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે. સરમાના કહેવા પ્રમાણે નાની ઉંમરમાં લગ્ન કરનારા માતા-પિતાને ધરપકડ કરવાને બદલે તેમને ચેતવણી આપવામાં આવી રહી છે.
શું કહ્યું મુખ્યમંત્રીએ?
મુખ્યમંત્રીએ કહ્યું, “અમારું અભિયાન 2026 સુધી ચાલુ રહેશે, જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. અમે આશા રાખીએ છીએ કે ત્યાં સુધીમાં રાજ્યમાં બાળ લગ્નનો કોઈ કેસ નહીં હોય.” સીએમના જણાવ્યા મુજબ, ડેપ્યુટી કમિશનરોને “કાઝીઓની સિસ્ટમને નિયંત્રિત કરવા” અને આ મુદ્દા સામે જાગૃતિ લાવવા સૂચના આપવામાં આવી છે.
આસામ કેબિનેટે બાળ લગ્ન અંગે નિર્ણય લીધો હતો
આસામ કેબિનેટે 23 જાન્યુઆરીએ નિર્ણય લીધો હતો કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કેબિનેટે એ પણ નિર્ણય લીધો હતો કે 14 થી 18 વર્ષની વય જૂથની છોકરીઓ સાથે લગ્ન કરનારા લોકો સામે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમના લગ્નને ગેરબંધારણીય જાહેર કરવામાં આવશે. જો વરરાજાની ઉંમર 14 વર્ષથી ઓછી હોય, તો તેને “સુધારણા ગૃહ” માં લઈ જવામાં આવશે.
AIUDF દ્વારા આ અભિયાનનો વિરોધ કરે છે
AIUDF એ આ કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે લોકોને જાગૃત કર્યા વિના કેદ કરવા એ ખોટું છે. AIUDF ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે કહ્યું કે પાર્ટી બાળ લગ્નનો પણ વિરોધ કરે છે. અમીનુલે કહ્યું કે સરકાર જાગૃતિ ફેલાવવા, સાક્ષરતા દર વધારવા જેવા પગલાઓ પર ધ્યાન આપી રહી નથી. બાળ લગ્નના નામે લોકોને જેલમાં મોકલવાની વાત ખોટી છે. આસામ સરકારે હજુ સુધી બાળ લગ્ન પ્રતિબંધ કાયદાના અમલ માટે નિયમો બનાવ્યા નથી.