ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમવર્ષા બની સમસ્યા : જમ્મુ અને કાશ્મીરના 8 જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી

  • બાંદીપુર, બારામુલ્લા અને કુપવાડામાં ‘નીચા જોખમી સ્તર’ સાથે હિમપ્રપાતની સંભાવના
  • ડોડા, કિશ્તવાડ, પૂંછ, રામબન અને ગાંદરબલમાં ‘મધ્યમ ભય સ્તર’ સાથે હિમપ્રપાતની સંભાવના

શ્રીનગર, 6 ફેબ્રુઆરી: જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (JKDMA) એ કેટલાક જિલ્લાઓ માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરી છે. JKDMAએ કહ્યું છે કે, “બાંદીપુર, બારામુલ્લા અને કુપવાડામાં ‘નીચા જોખમી સ્તર’ સાથે હિમપ્રપાતની સંભાવના છે. જ્યારે 24 કલાકમાં ડોડા, કિશ્તવાડ, પૂંછ, રામબન અને ગાંદરબલ જિલ્લામાં ‘મધ્યમ ભય સ્તર’ સાથે હિમપ્રપાતની સંભાવના છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને હિમપ્રપાતની સંભાવનાવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

 

 

આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ તાજી હિમવર્ષા ચાલુ રહી હતી. રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા પણ ખરાબ હવામાનને કારણે સ્થગિત કરવામાં આવી છે.

 

ઘાટીમાં શીત લહેરની અસર વધી

સોમવારે કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે જતા ખીણમાં કોલ્ડવેવની અસર વધી છે. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દક્ષિણ કાશ્મીરનું પહેલગામ સોમવારે ઘાટીમાં સૌથી ઠંડુ સ્થળ હતું. અહીંનું લઘુત્તમ તાપમાન માઈનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મંગળવારે માઈનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં માઈનસ સાત ડિગ્રી સેલ્સિયસથી ત્રણ પોઈન્ટ ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.

આજથી કાશ્મીરમાં હવામાન સુધરવાની આશા

અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ અને કાઝીગુંડમાં માઈનસ 3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની સંભાવના છે. જો કે 40 દિવસની તીવ્ર શિયાળાની ‘ચિલ્લાઇ કલાં’ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ કાશ્મીરમાં ઠંડીનું મોજુ યથાવત છે.

ઘાટી હાલમાં 20 દિવસની ‘ચિલ્લાઇ-ખુર્દ’ (નાની ઠંડી) ની પકડમાં છે, જે પછી 10 દિવસની ‘ચિલ્લાઇ-બચ્ચા’ (હળવી ઠંડી) નો સમયગાળો આવશે.

આ પણ જુઓ: ઉત્તરાખંડ વિધાનસભામાં આજે રજૂ થશે યુનિફોર્મ સિવિલ કોડ બિલ, કડક સુરક્ષા વ્યવસ્થા

Back to top button