ડીસામાં તસ્કરો બેફામ: વધુ બે દુકાનોમાંથી ચોરી


પાલનપુર : ડીસામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોની રંજાડ વધી રહી છે. તાજેતરમાં જ પાટણ હાઇવે તેમજ આખોલ ચાર રસ્તા નજીક તસ્કરોએ સંખ્યાબંધ દુકાનો તોડી ચોરી કર્યા બાદ હવે રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીક વધુ બે દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી.
તસ્કરોએ હેર કટીંગ દુકાનને પણ ન છોડી
શિયાળાની ઋતુ જામતા તસ્કરોને પણ જાણે સિઝન આવી ગઈ હોય તેમ બેફામપણે ચોરીના બનાવો વધી રહ્યા છે. ગત સપ્તાહે તસ્કરોએ ઉપરા ઉપરી બે દિવસ પાટણ હાઈવે રોડ તેમજ આખોલ ચાર રસ્તા નજીક સંખ્યાબંધ દુકાનોના તાળા તોડી મોટા પ્રમાણમાં ચોરી કરી પોલીસને ચેલેન્જ ફેંકી હતી. પોલીસ હજુ આ ચોરીની તપાસ કરી રહી છે ત્યારે તસ્કરોએ ગઈ રાત્રે રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીક એચ.પી. પેટ્રોલ પંપની પાછળ આવેલા કોમ્પ્લેક્સની બે દુકાનોના તાળા તોડ્યા હતા. જેમાં તસ્કરોએ કોમ્પ્લેક્સમાં આવેલી જે. કે. ઇલેક્ટ્રોનિક્સ દુકાનનું તાળું તોડી અંદરથી માલસામાન ઉપરાંત રૂપિયા 3000 ની રોકડ ઉઠાવી ગયા હતા. જ્યારે બાજુમાં આવેલ હેર કટીંગ સલૂનને પણ નિશાન બનાવી શટરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.ચોરીની જાણ સવારે વેપારીઓને થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. વેપારીઓએ પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ અંગે જે. કે.ઇલેક્ટ્રોનિક્સ ના દુકાનના માલિક કિરીટભાઈ પરમારની ફરિયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્વમાં 8 થી 10 લાખ પેકેજ છોડીને યુવકો કરે છે ટોયલેટ સાફ કરવાની સેવા