ભારતનું સૌથી મોટું સ્મારક અને મ્યુઝિયમ સ્મૃતિવન: 4 મહિનામાં આવ્યા આટલા લાખ મુલાકાતીઓ
28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં જાન્યુઆરી 20 સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2 લાખ 80 હજાર લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે જ્યારે 1 લાખ 10 હજારથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી થઇ રહી છે, જેના લીધે છેવાડાના માનવી સુધી ખુશહાલી પહોંચી છે.
ફીટનેસ, યોગ ક્લાસ, ઓપન માઇક અને સંગીતના કાર્યક્રમો
ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યાં છે.
જાણીતી હસ્તીઓ મ્યુઝિયમથી અભિભૂત થઈ
ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, આરબીઆઇના ગવર્નર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીથી લઈ વિવિધ લોકોએ કરી છે પ્રશંસા
“હું મારા દેશવાસીઓને ખૂબ નમ્રતા સાથે કહેવા માંગુ છું કે આપણું સ્મૃતિવન વિશ્વના અમુક શ્રેષ્ઠ સ્મારકો અને સંગ્રહાલયોની સરખામણીમાં એક ડગલું પણ પાછળ નથી. હું કચ્છના લોકોને વિનંતી કરવા માંગુ છું કે તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે, તો કૃપા કરીને સ્મૃતિવનની મુલાકાત લીધા વિના તેમને જવા ન દેશો. હું કચ્છના શિક્ષણ વિભાગને પણ વિનંતી કરવા માંગુ છું કે જ્યારે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે શાળાના બાળકોને અહીં લાવવામાં આવે.”
નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
“2001ના ધરતીકંપનો સાર જેટલી સારી રીતે અહીં ગ્રહણ કરવામાં આવ્યો છે, તે એક નમ્ર અનુભવ છે. તે આપણને પ્રકૃતિનો આદર કરવાનું શીખવે છે અને સાથે એ પણ શીખવે છે કે પ્રકૃતિ આપણા જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે. જે જીવ આપણે ગુમાવ્યા છે, તે ખૂબ જ દુઃખની ક્ષણ હતી. ભૂકંપથી પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે અથાક મહેનત કરનારી ટીમને હું અભિનંદન આપું છું. સ્મૃતિવનના નિર્માણમાં સંકળાયેલી ટીમની પણ હું પ્રશંસા કરવા માંગુ છું, અને અસરગ્રસ્ત લોકોની સ્મૃતિને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીને આપત્તિની તૈયારીના મહત્વ વિશે શિક્ષિત કરવા માટેના સંગ્રહાલયના પ્રયાસોને બિરદાવું છું.”
શક્તિકાંત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેન્ક
એક સુંદર અનુભવ હતો. આટલી સુંદર ઇમારત, અને તેની અંદર જે છે તે તેનાથી પણ વધુ સુંદર છે. કચ્છના લોકોની ખુમારી સુંદર રીતે દર્શાવવામાં આવી છે, અને તે ખૂબ સન્માનનીય છે. તમને તે ચોક્કસ ગમશે.
-રશેલ, સ્પેનથી આવેલ મુલાકાતી
470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ
ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં 3 લાખ વૃક્ષો છે. તે સિવાય 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મુકવામાં આવી છે. તે સિવાય સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે.
ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. મ્યુઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો : ‘સ્મૃતિ વન’ સ્મારકનું ઉદ્ઘાન, “કચ્છની વિનાશથી વિકાસ તરફની સફર”