સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાની WPL માં પાકિસ્તાની ખેલાડીઓ કરતાં પણ વધુ કમાણી કરશે ! જાણો કેટલી થશે કમાણી?

મહિલા ક્રિકેટરના નામે એક નવો અધ્યાય લખાઈ ગયો છે. મહિલા પ્રીમિયર લીગની 13 ફેબ્રુઆરીએ હરાજી થઇ. લક્ષ્મીજી ઉપર લક્ષ્મીજી વરસ્યા, મહિલા ક્રિકેટર ઉપર ભારે ધનવર્ષા થઇ. જેમાં ભારતની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના ઉપર સૌથી મોટી બોલી બોલવામાં આવી હતી. જેને વિરાટ કોહલીની રોયલ્સ ચેલેન્જર બેંગલોર દ્વારા ૩.40 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી. સ્મૃતિ સહિત ઘણી મહિલા ક્રિકેટરો પર ધનવર્ષા થઇ. જાણો કેવી રહી હરાજી અને કઈ મહિલા ક્રિકેટરો કેટલી કિંમતમાં ખરીદવામાં આવી.

સોમાવારે મહિલા ક્રિકેટરો માટે ઐતિહાસિક દિવસ રહ્યો કારણકે આ દિવસે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પહેલી મોટી હરાજી પૂરી થઇ. કુલ 5 ટીમો માટે હરાજી કરવામાં આવી હતી જેમાં લગભગ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 87 મહિલા ખેલાડીઓને ખરીદવામાં આવી. તમને જણાવી દઈએ કે વિશ્વમાં હાલ ઘણી જગ્યાએ મહિલાઓ માટે ક્રિકેટ લીગ ચાલી રહી છે પરંતુ વિશ્વની મહિલા ક્રિકેટરોની નજર ભારતની WPL પર હતી કારણકે ભારતના ક્રિકેટ જગતમાં મોટાપાયે ધનવર્ષા કરવામાં આવે છે અને ધનવર્ષા થઇ પણ ખરી.

આ પણ વાંચો : પૂજા વસ્ત્રાકરના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો, આવું કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની આ હરાજીમાં એટલી બધી ધનવર્ષા થઇ કે કેટલીક મહિલા ખેલાડીઓએ તો પુરુષ ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ઘણા પુરુષ ખેલાડીઓને પાછળ છોડી ૩.40 કરોડ સાથે WPLની સૌથી મોંઘી મહિલા ક્રિકેટર બની.

બાબર આઝમથી પણ વધુ પગાર

પાકિસ્તાન ટીમના કેપ્ટન અને હાલમાં વિશ્વના સારા ખેલાડીઓમાં જેની ગણના કરવામાં આવે છે તેવો પાકિસ્તાનનો સ્ટાર ખેલાડી બાબર આઝમ પાકિસ્તાન સુપર લીગ (PSL)માં પેશાવર જુલ્મી ટીમ તરફથી રમે છે જેને પ્રતિ સિઝન 1.50 લાખ ડોલર મળે છે. જે પાકિસ્તાન રૂપિયા પ્રમાણે ૩.60 કરોડની ઉપર થાય છે પરંતુ ભારતીય રૂપિયા પ્રમાણે તે 1.50 કરોડથી ઓછી છે.

ભારતીય મહિલા ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને મહિલા પ્રીમિયર લીગ (WPL)માં પ્રતિ સિઝન ૩.40 કરોડ રૂપિયા મળશે. WPLની સૌથી મોંઘી મહિલા ક્રિકેટરને રોયલ ચેલેન્જર બેંગલોર દ્વારા ખરીદવામાં આવી છે જે આ ટીમની કેપ્ટન પણ બની શકે છે. મહિલા પ્રીમિયર લીગ (WPL)માં 7 મહિલા ક્રિકેટર એવી છે જેને 2 કરોડ કે તેમાંથી વધુ રૂપિયામાં ખરીદવામાં આવી છે. જેમાં ૩ ખેલાડી એવી છે જેને ૩ કરોડથી વધુ રૂપિયામાં ખરીદવામાં આવી છે.

આ પણ વાંચો : મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજળું, પહેલી વખત ICC એ કરી મોટી જાહેરાત

નોધણીય છે કે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ટીમોનું બજેટ માત્ર 12 કરોડ રૂપિયા જ હતું. એવામાં કોઈ ખેલાડીને ૩ કરોડ કે તેનાથી વધુમાં ખરીદવામાં આવે તો તે એક મોટી વાત કહેવાય. કારણકે તે ટીમનું 30 ટકા ભાગ કહેવાય. આ જ કારણ છે કે મહિલા પ્રીમીયમ લીગ (WPL)ને ઐતિહાસિક માનવામાં આવે છે.

મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ક્યાં ખેલાડી મોંઘા રહ્યા

* સ્મૃતિ મંધાના – રોયલ્સ ચેલેન્જર બેંગલોર, 3.40 કરોડ (ભારત)
* એશ્લે ગાર્ડનર – ગુજરાત જાયન્ટ્સ, 3.20 કરોડ (ઓસ્ટ્રેલિયા)
* નતેલ સ્કીવર – મુંબઈ ઇન્ડિયન્સ, 3.20 કરોડ (ઇંગ્લેન્ડ)
* દીપ્તિ શર્મા – યુપી વોરીયર્સ, 2.60 કરોડ (ભારત)
* જેમિમા રોડ્રિગ્સ – દિલ્હી કેપિટલ્સ, 2.20 કરોડ (ભારત)
* બેથ મુની – ગુજરાત જાયન્ટ્સ, 2 કરોડ (ઓસ્ટ્રેલિયા)

આ પણ વાંચો : WU19 : મજૂરની દીકરીએ ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન, આ રીતે શરૂ થઇ સોનમની ક્રિકેટ સફર 

ભારતીય ખેલાડીઓ માટે હરીફાઈ લાગી

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની હરાજીમાં ભારતીય મહિલા ટીમના વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાનું હરાજી માટે જયારે નામ આવ્યું તો રોયલ્સ ચેલેન્જર બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વચ્ચે હરીફાઈ શરૂ થઇ ગઈ. અંતે રોયલ્સ ચેલેન્જર બેંગલોર દ્વારા ૩.40 કરોડની બોલી સાથે ખરીદવામાં આવી. કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઇન્ડિયન્સએ સ્મૃતિ મંધાનાથી લગભગ અડધી કિંમતમાં એટલે કે 1.80 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી. તેમ છતાં હરમનપ્રીત મુંબઈ ઇન્ડિયન્સ ટીમની સૌથી મોંઘી ખેલાડી ન બની શકી કારણકે ઇંગ્લેન્ડની નૈટ સિવર બ્રન્ટને ૩.20 કરોડ રૂપિયામાં ખરીવામાં આવી.

આ પણ વાંચો : Flash Back 2022 : આ વર્ષે આ મહાન ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

ભારતીય મહિલા ખેલાડીઓની વાત કરીએ તો સ્ટાર ખેલાડી દીપ્તિ શર્માની બોલી સૌથી મોટી રહી. જેને યુપી વોરીયર્સએ 2.6 કરોડમાં ખરીદી. વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતી અને હાલમાં ભારતને અંડર-19 વર્લ્ડકપ અપાવનાર શેફાલી વર્માને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી અને રવિવારે પાકિસ્તાન સામેની T-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર જેમિમા રોડ્રિગ્સને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયાની કિંમતે પોતાની ટીમમાં લીધી જ્યારે પૂજા વસ્ત્રકાર (મુંબઈ ઇન્ડિયન્સ) અને રુચા ઘોષ (રોયલ્સ ચેલેન્જર બેંગલોર)ને પણ 1.90 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી. આમ મહિલા પ્રીમિયર લીગ (WPL)ની હરાજીએ મહિલા ક્રિકેટરો ઉપર મનમુકીને ધનવર્ષા કરી.

Back to top button