ગણેશ વિસર્જનમાં SMCની પહેલ, શ્રીજીના વાઘા-આભૂષણનો ફરી કરાશે ઉપયોગ


સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન દરમિયાન પણ એક નવતર પ્રયોગ કર્યો. ગણેશ વિસર્જન દરમિયાન ગણેશજીની પ્રતિમા સાથે મૂર્તિ પર પહેરાવેલા વાઘા અને આભૂષણનું વિસર્જન કરવામાં આવ્યું નહીં. ભગવાનને પહેરાવેલા વાઘા અને આભૂષણનું વિસર્જન કરવાના બદલે જુદા કાઢી લઈ તેનું રી-યુઝ કરવામાં આવશે. મહાનગરપાલિકાના આ પ્રયાસને કારણે અનેક લોકોને રોજી રોટી મળશે. સ્વસહાય જૂથની બહેનોને આજીવિકા મળી રહે તે માટે તૈયાર કરેલ વસ્તુઓ નવરાત્રી મેળા દરમિયાન વેચાણ કરવામાં આવશે.

સુરત કોર્પોરેશનના 19 કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જનની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાના આ તળાવમાં ગણેશ વિસર્જન પહેલાં શ્રીજીની પ્રતિમાની પુજા કરીને ફુલ હાર, ગણેશજીને પહેરાવેલા વાઘા, મુગટ અને ઘરેણા જેવી વસ્તુ જુદી કાઢવામાં આવી હતી. આ આભૂષણો, વાઘા વગેરે રીયુઝ કરી પર્યાવરણની જાળવણી કરવામાં આવશે.

સુરત પાલિકા જરુરતમંદ મહિલાઓને જુદી જુદી યોજના હેઠળ રોજગારી આપી રહી છે. તેમાં યુસીડી વિભાગ દ્વારા અમલીકૃત દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથની બહેનો દ્વારા કૃત્રિમ તળાવ/ઓવારા પર મૂર્તિ સાથેના આભૂષણો,વાઘા અલગ કરવામાં આવ્યા હતા.