કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં ધમધમતું ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ SMCએ ઝડપી લીધું

Text To Speech
રાજકોટના જામનગર રોડ ઉપર પડધરી નજીક રંગપર ગામના પાટિયા પાસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાની હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી સાંજે દરોડો પાડી સાત શખસોને રૂ. 49.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડાથી ફફડાટ ફેલાયો છે.
કેન્દ્રીય વિદ્યાલય પાછળ અંધારામાં ચાલતા હતા ગોરખધંધા, 7 ઝડપાયા
મળતી માહિતી મુજબ જામનગર રોડ ઉપર રંગપરના પાટિયા પાસે જવાહર નવોદય વિદ્યાલયની પાછળ શ્રદ્ધા ઇન્ડસ્ટ્રીઝના ગેઇટની બાજુમાં કાચા રસ્તા ઉપર આવેલા અવાવરુ સ્થળે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાની હકીકત સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને મળી હતી જે હકીકતના આધારે ગત મોડી સાંજે એસએમસીએ બાતમીવાળા સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઘટનાસ્થળ ઉપરથી કેટલાક શખસો તેમજ ગેસનું ટેન્કર અને બે વાહનો મળી આવ્યા હતા જે અંગે હાજર શખસોને પૂછતા તેઓએ પોતાના નામ દિનેશ સવાભાઇ ખાંભલા (રહે. નહેરૂનગર શેરી નં-8), સાગર મનુભાઇ ગોહેલ (રહે. કોઠારિયા મેઇન રોડ-નંદાહોલ પાછળ), સિંધાભાઇ હીરાભાઇ વરુ (રહે. નવલનગર મવડી પ્લોટ વિનાયકનગર-20/5), મુકેશકુમાર રામરાજ ગુપ્તા (રહે. સાત હનુમાન આઇઓસી ગેસ પ્લાન્ટ-માલિયાસણ), મહેશ નાથાલાલ ચાવડા (રહે. નહેરૂનગર શેરી નં-8), ગોરધન દિનેશ ડાભી (રહે. કોઠારિયા રોડ-સુખરામનગર-6), સિંધાભાઇ નાગજીભાઇ ભુંડીયા (રહે. નવલનગર-9 માલધારી ચોક) અને દિનેશ ફાંગલિયા હોવાનું જણાવ્યું હતુ.
રૂ.30 હજારમાં જગ્યા ભાડે રાખી મહિનાઓથી ચાલતું’તું કૌભાંડ
આ શખસોની અટકાયત કરી તેઓની વધુ પૂછપરછ કરતા તેઓ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા હોવાની કબુલાત આપી હતી. આ બનાવમાં એસએમસી પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપી દિનેશ ફાંગલિયાની આ જગ્યામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતુ હતુ તે પોતાની આ જગ્યા રૂ. 30 હજારમાં દિનેશ ખાંભલાને ભાડે આપતો હતો. આરોપી દિનેશ તેમજ સાગર ગોહેલ અને સિંધાભાઇ સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. તેઓ હાઇ-વે પરથી નીકળતા ગેસના ટેન્કરને અટકાવી તેના ડ્રાઇવરને ફોડી લઇ રૂપિયાની લાલચ આપી ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા હતા.
ગેસ ભરેલા ટેન્કરના ચાલકને રૂપિયાની લાલચ આપી ફોડી લેવાતા, બોટલ દીઠ રૂ.1200 અપાતા
ગઇકાલે પણ માલિયાસણના આઇઓસી ગેસ પ્લાન્ટમાં નોકરી કરતા મુકેશ રામરાજ ગુપ્તા વાડિનાર ખાતેથી ટેન્કર જી.જે.06-એએકસ-5712 ગેસનું ભરેલુ લઇ માલિયાસણ જતો હોય ત્યારે રસ્તામાં તેને રૂપિયાની લાલચ આપી ફોડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ આ ટેન્કર બનાવવાળી જગ્યાએ લઇ જવામાં આવ્યું હતુ જ્યાં જી.જે.03-બીવી-8052 નંબરના બોલેરોમાં રહેલા ગેસના 21 કોમર્શિયલ સિલિન્ડર ભરવાનું કામ ચાલુ હતુ એક ગેસ સિલિન્ડર ભરવાના ટેન્કરના ચાલક મુકેશ રામરાજ ગુપ્તાને રૂ. 1200 આપવામાં આવતા હતા. જ્યારે કે, આરોપી મહેશ ચાવડા, ગોરધન ડાભી અને સિંધાભાઇ ભુંડીયા તેઓની મદદગારી કરતા હતા જે માટે તેઓને રૂપિયા મળતા હતા.
SMC એ ટેન્કર, બોલેરો, કાર મળી રૂ.49.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
હાલ પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી ગેસ ભરેલુ ટેન્કર કિંમત રૂ. 41,50,800, એક પિકઅપ વાન કિંમત રૂ. પ લાખ, એક મારૂતિ સ્વિફટ કાર કિંમત રૂ. 2 લાખ, આઠ મોબાઇલ ફોન કિંમત રૂ. 26,500 તથા રબ્બરના પાઇપ કિંમત રૂ. પ હજાર, 24 ગેસ સિલિન્ડર કિંમત રૂ. 48,000 તથા રૂ. 15,870ની રોકડ મળી કુલ રૂ. 49,46,170/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ ગેસ ભરેલુ ટેન્કર તેના મૂળ માલિકને પરત સોંપી રૂ. 7,95,370નો મુદ્દામાલ કબજે કરી પડધરી પોલીસ મથકમાં આ અંગે આઇપીસી કલમ-407, 413, 308, 285, 286 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Back to top button