અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવાશે, ત્યાર બાદ રહેણાંકમાં પ્રયોગ થશે

ગાંધીનગર, 22 મે 2024, ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. 44 ડિગ્રી ગરમીમાં મીટરનું રિચાર્જ પુરુ થઈ જતાં ગ્રાહકોનો પારો છટક્યો છે. ત્યારે વડોદરાના એક નાગરીકે સ્માર્ટ મીટરનો મુદ્દો હાઈકોર્ટમાં પડકાર્યો છે. જ્યારે સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે, લોકોને સ્માર્ટ મીટરની સાથે જુનુ મીટર પણ લગાવી આપવામાં આવશે. વડોદરામાં એક વ્યક્તિને મહિને 2 હજારનું લાઈટ બિલ આવતુ હતું. જે હવે 9.24 લાખ આવતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. હવે સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં સરકારે સૌ પહેલા ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ ગયા પછી જ નવા સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે.

જ્યાં મીટર લાગ્યાં છે ત્યાં લોકોને સમજાવાશે
ઊર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, લોકોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં, સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવીશું. જ્યાં મીટર લાગ્યાં છે ત્યાં લોકોને સમજાવાશે. પેન્ડિંગ બિલ ઈએમઆઈમાં લેવામાં આવતા હતા. જૂના અને નવા મીટરની રકમ બેલેન્સ કરવામાં આવશે. વપરાશ પ્રમાણે ટેરિફ પ્લાન છે એટલે ટેરિફ સમજી લોકો વિચારણા કરે. લોકોને સંતોષ થાય તે બાદ જ આગળ વધીશું. હાલ સરકારી કચેરીમાં શરૂઆત કરીશું. મીડિયામાં રિપોર્ટેડ તમામ કેસ શોધવા પ્રયાસ કર્યા છે. તમામ કેસમાં તપાસ કરાવી છે એક પણ બાબતમાં તથ્ય જોવા મળ્યું નથી.

મીટરમાં ખામી જોવા મળે તો જવાબદારી અમારી છે
જયપ્રકાશ શિવહરેએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો સ્માર્ટ મીટરમાં અત્યાર સુધી ચુકવણી કરી રહ્યા છે તેમને જો કોઈ ફરિયાદ આવે એમાં તપાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ અફવામાં ન આવે. એક પણ મીટરમાં ખામી જોવા મળે તો જવાબદારી અમારી છે. અમે એનાલિસિસ કરવા તૈયાર છીએ. અમે એક એક બિલ ચેક કરાવવા માટે તૈયાર છીએ. અમે બન્ને મીટર ચાલુ રાખીશું. લોકોને અપીલ છે કે, તમને કોઈ વિસંગતતા જોવા મળે તો અમને કહેજો. અમે આની જવાબદારી સ્વીકારવા તૈયાર છીએ. અમે ચેલેન્જ સાથે કહી શકીએ કે, આમાં કોઈ ખામી નથી. ખામી હશે તો અમારી કરેક્શન કરવાની જવાબદારી છે.

આ પણ વાંચોઃસ્માર્ટ મીટરે રોષ વધાર્યોઃ 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

Back to top button