ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બર્લિનમાં ગૂંજ્યા “2024 મોદી વન્સમોર”ના નારા…જર્મનીમાં રહેતા ભારતીયોને મળવું મારું સૌભાગ્યઃમોદી

Text To Speech

ભારતીય સમુદાયના સભ્યોએ ‘2024, મોદી વન્સ મોર’ના નારા લગાવ્યા.‘2024, મોદી વન્સ મોર’ સૂત્ર ગુંજી ઉઠ્યું જ્યારે ઓડિટોરિયમમાં એકત્ર થયેલા લોકોએ ઉત્સાહપૂર્વક ધ્વજ લહેરાવ્યો. રોમાંચ જગાવે તેવા આ દ્રશ્યો જોવા મળ્યા જર્મનીના બર્લિન શહેરમાં જ્યાં પોટ્સડેમર પ્લેટ્ઝ ખાતેના એક ઓડિટોરિયમમાં પીએમ નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયને મળવા અને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં ભારતના બદલાતા પરિદ્રશ્ય અને ભારતીયોને તાકાત વિશે વાત કરવાની સાથે વિપક્ષ કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ભારત માતાની જય સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી અને જર્મનીમાં રહેતા ભારતીયો સાથે મળવાના અવસરને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, જર્મની પહેલા પણ આવ્યો છું. તમારામાંથી અનેક લોકોને મળ્યા પણ છું. અહીં યુવાનો વધુ જોવા મળી રહ્યા છે જેના કારણે યુવા જોશ પણ છે. જર્મનીમાં ભલે ભારતીયોની સંખ્યા ઓછી છે પરંતુ તમારા પ્રેમમાં, તમારા જોશમાં કોઈ કમી નથી. આ દ્રશ્ય જ્યારે હિન્દુસ્તાનના લોકો જોવે છે તે તેમનું મન પણ ગર્વથી ભરી આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે કોટિ-કોટિ ભારતીયોની વાત કરીએ છીએ તો તેમાં માત્ર ભારતમાં રહેતા લોકો જ નહીં, તમે પણ સામેલ છો. તેમણે કહ્યું કે, 21મી સદીનો આ સમય ભારત માટે, અમે ભારતીયો માટે ખુબ મહત્વપૂર્ણ છીએ. આજનું ભારત મન બનાવી ચૂક્યું છે, સંકલ્પ લઇને આગળ વધી રહ્યું છે. તમે પણ જાણો છો કે કોઇ દેશનું મન બની જાય છે તો તે દેશ નવા રસ્તાઓ પર પણ ચાલે છે અને મનપસંદ મંજિલોને હાંસલ કરીને પણ દેખાડે છે.

બર્લિનમાં ભારતીય સમુદાય વચ્ચે પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, સકારાત્મક ફેરફાર અને ઝડપી વિકાસની આકાંક્ષા જ હતું જેને લઇને 2014માં ભારતની જનતાએ પૂર્ણ બહુમત વાળી સરકાર પસંદ કરી. આ ભારતની મહાન જનતાની દૂરદ્રષ્ટિ છે કે વર્ષ 2019માં તેમણે દેશની સરકારને પહેલાથી પણ વધુ મજબૂત કરી દીધી. ભારતે મન બનાવી લીધું છે. તેને ખબર છે કે ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે.

ભારત હવે નવી ઉંચાઈઓ પર પહોંચશે, ભારતીયોને મતની તાકાત ખબર છેઃ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ભારતે ત્રણ દાયકાઓની રાજકીય અસ્થિરતાને એક બટન દબાવીને ખતમ કરી દીધી. ભારતના મતાદાતાઓએ 30 વર્ષ બાદ 2014માં પૂર્ણ બહુમતની સરકાર પસંદ કરી. ભારત નવી ઉંચાઈ પર પહોંચી શકે છે. ભારતના મતદાતાઓને મતની તાકાત ખબર છે. ભારત હવે સમય નહીં ગુમાવે. આઝાદીના 100 વર્ષ બાદ આપણે ઉંચાઈઓ પર હોઇશું.
વધુમાં તેમણે કહ્યું કે, સુધારાઓ માટે ઇચ્છાશક્તિ જરૂરી છે. જ્યાં જરૂરિયાત હોય, ત્યાં સરકારનો અભાવ ન હોય. જ્યાં જરૂરિયાત હોય ત્યાં સરકારનો પ્રભાવ ન હોય. અમે લોકોના જીવનથી સરકારની દખલને હટાવી રહ્યા છીએ. તેમણે ટ્રાન્સફોર્મ અને ડેવલપમેન્ટની સાથે રિફોર્મની પણ ચર્ચા કરી અને કહ્યું કે, આના માટે જનતાની ભાગીદારી જરૂરી છે.

ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સૌથી ઝડપીઃ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, દેશ આજે તમામ ક્ષેત્રમાં ઝડપથી સફળતા મેળવી રહ્યું છે. તેમણે કહ્યું કે, પહેલા જ્યાં જાઓ, વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ લાગેલું હતું. હવે દેશ પણ ત્યાં છે, ફાઇલ પણ ત્યાં છે, સરકારી મશીનરી પણ ત્યાં છે પરંતુ દેશ બદલી ગયો છે. હવે ભારત નાનું નથી વિચારતો. ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સૌથી ઝડપી છે. હવે 5જી આવવાનું છે. તેમણે કહ્યું કે, ભારત આજે નાનું નથી વિચારતો. રિયલ ટાઇમ પેમેન્ટમાં સૌથી વધુ ભાગીદારી ભારતની છે.

‘ખબર નહીં તે કયો પંજો હતો જે 85 પૈસા ખાઇ જતો હતો’ : મોદી
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારના કાર્યકાળમાં મોટી સંખ્યામાં લોકોના ખાતામાં સીધા લાભ પહોંચ્યા છે. કોઈ વચેટિયા વગર. કોઈ કટ મની નહીં. હવે કોઇ પ્રધાનમંત્રીને નહીં કહેવું પડે કે એક રૂપિયો મોકલું છું તો 15 પૈસા પહોંચે છે. નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તે કયો પંજો હતો જે 85 પૈસા ખાઇ જતો હતો.

પહેલા 2-4 અને હવે 68 હજાર સ્ટાર્ટઅપઃ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, નવું ભારત તમને ફ્યૂચર સિક્યોર કરવાને લઇને નથી વિચારતું, રિસ્ક લે છે. તેમણે સ્ટાર્ટઅપ્સની પણ ચર્ચા કરી અને કહ્યું કે, 2014 પહેલા બે-ચાર સૌ સ્ટાર્ટઅપ હતા. આજે ભારતમાં 68 હજારથી વધુ સ્ટાર્ટઅપ છે. પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી રહેતા જ્યારે બાબુઓને પૂછતો હતો કે દીકરા-દીકરી શું કરી રહ્યા છે તો જવાબ મળતો હતો કે આઈએએસની તૈયારી કરે છે. આજે જ્યારે ભારત સરકારના બાબુઓને પૂછું છું તે જવાબ મળે છે કે તેઓ સ્ટાર્ટઅપમાં લાગી ગયા.

યુદ્ધમાં કોઈ જીતશે નહીં :મોદી
યુરોપના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીમાં પોતાના સંબોધન દરમિયાન રશિયા યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ યુદ્ધમાં કોઈની જીત થશે નહીં, આ યુદ્ધનો ઉકેલ વાતચીતથી જ મળશે. PM મોદીએ કહ્યું કે અમે માનીએ છીએ કે આ યુદ્ધમાં કોઈપણ પક્ષ જીતશે નહીં, તેથી અમે શાંતિના પક્ષમાં છીએ. ભારત વૈશ્વિક પુનઃપ્રાપ્તિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બનશે. તાજેતરજેમાં અમે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે ખૂબ જ ટૂંકા ગાળામાં વેપાર કરારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી છેલ્લી આઈજીસી 2019માં યોજાઈ હતી, ત્યારથી વિશ્વમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. કોરોના રોગચાળાની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વિનાશક અસર થઈ છે.

પીએમ મોદીએ ઢોલ પર અજમાવ્યો હાથ
આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ બર્લિનમાં ઢોલ પર હાથ પણ અજમાવ્યો હતો. પોતાની આગવી શૈલીથી ઓળખાતા પ્રધાનમંત્રીએ બાળકનું ગીત સાંભળવાથી લઈ ચિત્ર પર ઓટોગ્રાફ આપ્યા બાદ પીએમ મોદીએ ઢોલ પર હાથ અજમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેઓ વિવિધ વાદ્યો સાથે જોવા મળ્યા છે. કલા કે કલાકારને પ્રોત્સાહિત કરવામાં તેઓ ક્યારેય ખચકાતા નથી જે તેમના વ્યક્તિત્વની એક આગવી ઓળખ બની ચુકી છે.

Back to top button