કોંગ્રેસના MLAનો શક્તિસિંહને પત્રઃ ચંદનજીને લીડ ના અપાવી શક્યો મારા પર કાર્યવાહી કરી શકો છો


પાટણ, 11 જૂન 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે શરૂઆતથી જ પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા હતા. એ સમયે એવું લાગતું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ બે બેઠકો જીતી જશે પણ પાટણની બેઠક પર મોં મા આવેલો કોળિયો છીનવાઈ જતાં ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે. ભાજપ ઉમેદવારને 27,000ની લીડ મળતાં ધારાસભ્ય દુખી થયા છે અને તેમણે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હોય તો તેનો સ્વીકાર કરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે.
દિનેશ ઠાકોરે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી
ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. પાટણ બેઠક પર છેલ્લે છેલ્લે ભાજપને મોટી લીડ મળી અને ચંદનજી ઠાકોર હારી ગયા હતા. ચાણસ્મા વિધાનસભા બેઠક પર ભાજપને 27 હજારથી વધુની લીડ મળતા કોંગ્રેસના ધારાસભ્ય દુઃખી થયાં છે. ધારાસભ્ય દ્વારા કોગ્રેસનો પ્રચાર પ્રસાર કરવા પર ખુબ જ મહેનત કરી હોવા છતા પરિણામ ન મળતા પ્રદેશ કોગ્રેસને પત્ર લખ્યો છે. ચાણસ્મા બેઠક પર કોગ્રેસને લીડ ન મળતા પ્રદેશ દ્વારા જે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હોય તેનો સ્વીકાર કરીશ તેમ પત્રમાં ધારાસભ્ય દિનેશ ઠાકોરે ઉલ્લેખ કર્યો છે.
પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર હારી ગયા હતાં
પાટણ લોકસભા પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા. કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા. કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા.
આ પણ વાંચોઃગેનીબેન ગુરૂવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે, વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટશે