આજે છઠ્ઠ પૂજા : જાણો ભગવાન સૂર્યની પૂજાનું માહત્મ્ય
છઠ્ઠ એ એક પ્રાચીન હિન્દુ વૈદિક તહેવાર છે. જે ખાસ કરીને ભારતીય રાજ્યો બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ અને નેપાળના મધેશ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. છઠ્ઠ પૂજા સૂર્ય અને શાષ્ટિ દેવી (છઠ્ઠી મૈયા) ને સમર્પિત છે. આ પૂજા નો ઉદ્દેશ તેમના દ્વારા આપવામાં આવેલી પૃથ્વી પર સમૃદ્દિનો આભાર માનવા અને ઇચ્છાપૂર્તિ માટે વિનંતિ કરી તેમનો આશિર્વાદ પ્રાપ્ત કરવાનો છે. આ તહેવાર બિહારીઓ અને નેપાળીઓ અને તે સંસ્કૃતિના પ્રવાસી નાગરિકો દ્વારા મનાવવામાં આવે છે.
આ પણ વાંચો :વિશ્વની સૌથી ઉંચી શિવજીની પ્રતિમા, જાણો- તેની વિશેષતા
આ તહેવારમાં મૂર્તિપૂજા કરવામાં આવતી નથી. તેની વિપરીત તેમાં છઠ્ઠી મૈયા (શષ્ઠિ માતા) અને સૂર્ય ભગવાન સૂર્યની તેમના પત્ની ઉષા અને પ્રતિઉષા (વૈદિક પરંપરામાં પરોઢ અને સાંજની દેવીઓ)ની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યની શક્તિના મુખ્ય સ્ત્રોત તેમની પત્ની ઉષા અને પ્રત્યુષા છે. છઠમાં સૂર્યની સાથે આ બંને શક્તિઓની સંયુક્ત ઉપાસના કરવામાં આવે છે. સવારે સૂર્યના પ્રથમ કિરણ (ઉષા) ની પૂજા અને સાંજે સૂર્યની અંતિમ કિરણ (પ્રત્યુષા)ની પૂજા એમ બંનેની પૂજા કરવામાં આવે છે.
ભગવાન સૂર્યની પૂજાનું માહત્મ્ય
છઠ્ઠ, એ પ્રકૃતિની પૂજા છે. આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા પણ થાય છે. સૂર્યદેવ એકમાત્ર એવા ભગવાન છે, જે નરી આંખે જોવા મળે છે. અસ્તાચલગામી ભગવાન સૂર્યની પૂજા એ ભાવ સાથે કરવામાં આવે છે કે જે સૂર્યએ આપણાં જીવનને રોશન કર્યું તેના નિસ્તેજ થયા પછી પણ અમે તેમને નમન કરીએ છીએ.
સૂર્ય પૂજાના મહાપર્વ છઠ્ઠ પૂજામાં 30 ઓક્ટોબરે સૂર્યાસ્ત સમયે અને 31મીએ સવારે સૂર્યોદય સમયે અર્ઘ્ય આપવામાં આવે છે. માત્ર છઠ્ઠ પૂજામાં સૂર્યાસ્ત સમયે અર્ઘ્ય આપવામાં આવે છે. ભગવાન સૂર્ય પંચદેવોમાં સામેલ છે. દરેક શુભ કામની શરૂઆત પંચદેવોની પૂજા સાથે થાય છે. સૂર્યદેવને રોજ સવારે અર્ઘ્ય આપીને 12 મંત્રનો જાપ કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે, નકારાત્મક વિચાર દૂર થાય છે અને સ્વાસ્થ્ય લાભ મળે છે.
12 નામનો જાપ મંત્ર–
आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर, दिवाकर नमस्तुभ्यं, प्रभाकर नमोस्तुते।
सप्ताश्वरथमारूढ़ं प्रचंडं कश्यपात्मजम्, श्वेतपद्यधरं देव तं सूर्यप्रणाम्यहम्।।
36 કલાકનો નિર્જળા ઉપવાસ
આ દિવસે વ્રત કરનાર લોકો સ્નાન-ધ્યાન પછી ભાત, કોળુંનું શાક, ચણાની દાળ અને આંબળાની ચટણી જેવા ખોરાક ખાઈને પવિત્રતા સાથે આ વ્રતની શરૂઆત કરશે. નહાય-ખાયનો પ્રસાદ મેળવવા માટે વ્રત કરનાર લોકોના ઘરે સોમવારે સામાન્ય શ્રદ્ધાળુઓ પણ પહોંચશે. તે પછી શનિવારે ચોખા, ગોળ અને દૂધથી બનેલી ખીર ખાઈને વ્રતી ખરના કરશે અને તે પછી 36 કલાકનો નિર્જળા ઉપવાસ શરૂ થઈ જશે.
છઠ્ઠ પૂજા સાથે જોડાયેલી માન્યતાઓ
છઠ્ઠ માતાને સૂર્ય ભગવાનની બહેન કહેવામાં આવે છે. આ કારણે સૂર્ય સાથે છઠ્ઠ માતાની પૂજા થાય છે. માન્યતા છે કે પ્રકૃતિએ પોતાને છ ભાગમાં વહેચી હતી. તેમાં છઠ્ઠા ભાગને માતૃ દેવી કહેવામાં આવે છે. આ ઉપરાંત છઠ્ઠ માતાને બ્રહ્માજીની માનસ પુત્રી પણ કહેવામાં આવે છે. દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયનીને પણ છઠ્ઠ માતા કહેવામાં આવે છે. છઠ્ઠા માતા બાળકોની રક્ષા કરનારી દેવી છે. આ કારણે સંતાનના સૌભાગ્ય, લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની કામનાથી છઠ્ઠ પૂજાનું વ્રત કરવામાં આવે છે. બિહારમાં કથા પ્રચલિત છે કે દેવી સીતા, કુંતી અને દ્રૌપદીએ પણ છઠ્ઠ પૂજાનું વ્રત કર્યું હતું અને વ્રતના પ્રભાવથી જ તેમના જીવનના બધા કષ્ટ દૂર થયાં હતાં.