કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં મારવાડી કોલેજમાં કથિત ગાંજાના છોડની તપાસ માટે SITની રચના કરાઈ

  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ તાબડતોબ કાર્યવાહી
  • કુવાડવા રોડ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી
  • એફએસએલના પ્રાથમિક રિપોર્ટ અનુસાર છોડવા ગાંજાના ન હોવાનું ખુલ્યું

રાજકોટમાં મારવાડી કોલેજમાં ગુરુવારે સાંજે કુવાડવા પોલીસે અચાનક પહોંચી દરોડો પાડ્યો હતો જેમાં કેમ્પસમાં ગાંજાના કેટલાક છોડ પડેલા હોવાનું અને ત્યાં આસપાસ તેની ખેતી થતી હોવાનું સામે આવ્યા બાદ આજે શુક્રવારે મીડિયા ત્યાં પહોંચ્યું હતું અને સમગ્ર મામલે અહેવાલ રજૂ થયો હતો જેના કારણે આ બાબતના પડઘા ઉચ્ચ કક્ષાએ પડ્યા હતા. તેવામાં આ પ્રકરણમાં આખરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન જાહેર કર્યું છે અને SIT ની રચના કરવાની જાહેરાત કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ પોલીસે આ પ્રકરણમાં આખરે ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર ઘટના ?

વિદ્યાર્થિના આપઘાત, વિદ્યાર્થિને નિર્વસ્ત્ર કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, રેગીંગ, પ્રેમાલાપ, બે વિદ્યાર્થિની વચ્ચે અભદ્દ ભાષામાં વાણી વિલાસ સહિત કોઇને કોઇ મુદ્દે સમયાંતરે વિવાદમાં ઘેરાયેલી રહેતી રાજકોટના મોરબી રોડ સ્થિત મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાના વાવેતરની ઉઠેલી ફરિયાદના આધારે પોલીસ કાફલો અને મીડિયાના પ્રતિનિધીઓ સ્થળ પર દોડી ગયા હતા. જો કે પોલીસ અને મીડિયા પહોંચે એ પહેલાં સૂકા ગાંજાના છોડવાને સળગાવી દેવાયા હોવાનું તેમજ હોસ્ટેલ પાછળ કથિત લીલા ગાંજાના અમુક છોડ મૂળ સોતા ઉખેડીને સગેવગે કરવાની તૈયારી હોવાનું સામે આવતા શિક્ષણ જગત અને વાલીમંડળભાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

ઉચ્ચ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી 

ઘટનાને પગલે રાજકોટ ક્રાઈમ બ્રાંચ પીઆઈ એલ.એલ. ચાવડા, કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ કે.જે. રાણા, એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઇન્દુભા, જીજ્ઞેશભાઈ અમરેલીયા સહિતનો સ્ટાફ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચી ગયો હતો. એફએસએલને જાણ કરાઈ હતી. એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છતાં આ શંકાસ્પદ છોડવાના સેમ્પલ પૃથ્થકરણ માટે  ગાંધીનગર એફએસએલમાં મોકલવાશે.

ડીસીપીના વડપણ હેઠળ તપાસ થશે

શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનાર આ પ્રકરણની તપાસ માટે ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારના વડપણ હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં એસીપી ક્રાઇમ બી.બી.બસીયા, એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા અને કુવાડવા પીઆઇ કે.જે.રાણાનો સમાવેશ કરાયો છે.એસઆઇટીની આ ટીમ દરેક મુ્દ્દા પર તલસ્પર્શી તપાસ કરશે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો કોઇ પણ ચમરબંધીની શેહશરમ વિના કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસીપી સજ્જનસિંહ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

Back to top button