ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગયુટિલીટી

બનાસકાંઠા જિલ્લાની બહેનોને લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડ કરતાં વધુ રકમની સહાય અપાઈ

  • વડાપ્રધાન ની વચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે “લખપતિ દીદી યોજના ૨૦૨૪ કાર્યક્રમ” યોજાયો
  • “લખપતિ દીદી” યોજનામાં મહિલાઓને તાલીમ અને સ્વરોજગાર માટે ₹5,00,000 સુધીની વ્યાજમુક્ત લોન

પાલનપુર, 25 ઓગસ્ટ, 2024:  મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા “લખપતિ દીદી યોજના” ૨૦૨૩ માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે ₹5,00,000 સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ ૨૦૨૫ સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો છે.

આ યોજનાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વચ્યુઅલ ઉપસ્થિતિમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે “લખપતિ દીદી યોજના ૨૦૨૪” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ત્રણ કરોડ ચોર્યાશી લાખ તોતેર હજારની સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઇની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય કરવામાં આવી હતી.

લખપતિ દીદી - બનાસકાંઠા - HDNews

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના અન્વયે મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા જિલ્લાના કુલ 100 સ્વસહાય જુથોને 29.6 લાખ રિવોલ્વીંગ ફંડની સહાય, 157 સ્વસહાય જુથોને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ 227.10 લાખની સહાય, 265 સ્વસહાય જુથોને સ્ટાર્ટઅપ ફંડ 5.62 લાખની સહાય, 7 ગ્રામ સંગઠનોને સ્ટાર્ટઅપ ફંડ 3.75 લાખની સહાય, 6 કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ 21 લાખની સહાય, 52 સ્વસહાય જુથોને 97.66 લાખની સી.સી. લોન ધિરાણ સાથે કુલ ત્રણ કરોડ ચોર્યાશી લાખ તોતેર હજારની સહાય અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ સહાય થકી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશકત બની શકશે.

લખપતિ દીદી - બનાસકાંઠા - HDNews

આ પ્રસંગે ધારાસભ્ય અનીકેતભાઇ ઠાકરે કહ્યું કે, સમાજના અંતિમ છેડાની મહિલાઓને સમાજના મુખ્ય વ્યવહારમાં લાવી શકાશે. મહિલાને પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન સહાય આપવામાં આવશે. જેથી એ આત્મ નિર્ભર , સ્વ નિર્ભર બની શકશે અને પોતાના સપનાં સાકાર કરી શકશે. આ યોજનાથી મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરી, તેમને નવા કૌશલ્યો શીખવી, અવનવી તાલીમ આપીને મહિલાઓ માટે રોજગારીની વધુ તકો ઉભી કરી શકાશે તેમજ સમાજના વિકાસમાં મહિલાઓને સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાશે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, જિલ્લા લાઇવલી હૂડ મિશન મેનેજર તેજસ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાચિયા, અગ્રણી અશ્વિન સક્સેના સ્વ સહાય જૂથના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લખપતિ દીદી યોજના ૨૦૨૪

“લખપતિ દીદી” એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી ₹1,00,000 (દર મહિને આશરે ₹8,300) હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.

લખપતિ દીદી - બનાસકાંઠા - HDNews

લખપતિ દીદી યોજનાના ફાયદા:

> મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરવો.
> નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે.
> સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે.
> મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા.

કોણ અરજી કરી શકે?

18 વર્ષથી 50 વર્ષની વચ્ચેની કોઈપણ મહિલા લખપતિ દીદી યોજના માટે અરજી કરી શકે છે. આ માટે, મહિલાઓએ નજીકના સ્વ-સહાય જૂથમાં જોડાવું જરૂરી છે, જ્યાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજો અને તેમની વ્યવસાય યોજના સબમિટ કરવી પડશે. આ પછી લોન મંજૂર થાય છે. અરજી માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને આવકનો દાખલો આપવાનો રહેશે.

આ પણ વાંચોઃ યુવાનોએ રાજકારણમાં પ્રવેશ અંગે પીએમ મોદીને પત્રો લખ્યાઃ જાણો શું કહ્યું વડાપ્રધાને?

Back to top button