દિલ્હીના એલજી વીકે સક્સેનાએ બુધવારે કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને નવા પોર્ટફોલિયોની ફાળવણીના સીએમ અરવિંદ કેજરીવાલના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેજરીવાલે ગેહલોતને આઠ અને આનંદને 10 પોર્ટફોલિયો ફાળવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને સરકારમાં પોતપોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ કેજરીવાલે આ પ્રસ્તાવ મોકલ્યો હતો. સિસોદિયાની દારૂ નીતિ કૌભાંડ કેસમાં 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે સત્યેન્દ્ર જૈનની પીએમએલએ કેસમાં ગયા વર્ષે 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે તિહાર જેલમાં બંધ છે.
આ પણ વાંચો : ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ, આતિષી બનશે મંત્રી! સીએમ કેજરીવાલે એલજી સક્સેનાને મોકલ્યા નામ
નાણા વિભાગની જવાબદારી ગેહલોતને
દિલ્હી સરકારની સૂચનામાં ગેહલોતને નાણાં, આયોજન, જાહેર બાંધકામ વિભાગ, વીજળી, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને પાણી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ગેહલોત પાસે પહેલાથી જ અન્ય ઘણા વિભાગો છે. આનંદને શિક્ષણ, જમીન અને ઇમારતો, તકેદારી, સેવાઓ, પ્રવાસન, કળા, સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, આરોગ્ય અને ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી છે. સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ, મુખ્ય પ્રધાન કેજરીવાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મંત્રી તરીકે બઢતી માટે મોકલ્યા છે.સીબીઆઈએ રવિવારે સિસોદિયાની ધરપકડ કરી હતી
સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. દિલ્હી સરકારની નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં સિસોદિયાની તપાસ કરવામાં આવી રહી હતી. ધરપકડને પડકારતાં સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા હતા, પરંતુ કોર્ટે તેમની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સિસોદિયાને સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પાંચ દિવસની CBI કસ્ટડીમાં મોકલી દીધા હતા.