હોઠ પર ઈજા, માથા પર નિશાન ! સિંગર કે.કેના મોત પર સસ્પેન્સ, કોલકાતા પોલીસે ગુનો દાખલ કર્યો
સિંગર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે. તેના માથા અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસે કેકેના મોતને લઈ મ્યુઝિક કોન્સર્ટના આયોજકો અને હોટલ સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુદાસ મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અને આ ફેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું –ઉત્કર્ષ 2022. કાર્યક્રમનું આયોજન નઝરૂલ મંચમાં કરવામાં આવ્યું હતું.
કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં કે.કેના અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે સિંગરનું મૃત્યુ શારીરિક બિમારીને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર.
કેકેના મોત પર સવાલ
સિંગર કે.કેના મોત પર સવાલો ઉઠી રહ્યા છે. બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે યોગ્ય નથી, તેની તપાસ થવી જોઈએ. દિલીપ ઘોષે વધુમાં કહ્યું કે એસી વગર અને આટલી ભીડમાં કેવી રીતે કામ કરવું પડ્યું. તેણે કહ્યું કે ક્ષમતા કરતા વધારે ભીડ હતી અને એસી બંધ હતું. આ કારણોસર તેમની તબિયત બગડી કે નહીં તે જાણવા મળ્યું નથી.
કોલકાતામાં કોન્સર્ટ પછી મૃત્યુ
બોલિવૂડના પ્રખ્યાત સિંગર કૃષ્ણકુમાર કુન્નાથનું મંગળવારે રાત્રે કોલકાતામાં અવસાન થયું. તેઓ કે.કે તરીકે જાણીતા હતા. કેકે 53 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કોલકાતામાં નઝરૂલ મંચ ખાતે એક કોલેજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેકે લગભગ એક કલાક સુધી પર્ફોમ કર્યા બાદ તેમની હોટેલમાં પાછા ફર્યા ત્યારે તેઓ અસ્વસ્થ હતા.
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે સિંગરને દક્ષિણ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “કે.કેને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે કમનસીબી છે કે “અમે તેમની સારવાર કરી શક્યા નથી. હોસ્પિટલના ડૉકટરોએ જણાવ્યું હતું કે સિંગરનું મૃત્યુ હાર્ટ એટેકથી થયાની શક્યતા છે.”
કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સિંગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.