ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ-કચ્છમાં ITના એક સાથે દરોડા, 100 જેટલા અધિકારીઓ સર્ચમાં જોડાયા

અમદાવાદ-કચ્છમાં હક સ્ટીલ જર્મન TMXની 18 પ્રિમાઈસિસ પર આવકવેરાના સાગમટે દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ-રાજકોટ સહિત 100 જેટલા IT અધિકારીઓ સર્ચમાં જોડાયા છે. નાણાકીય વર્ષ પૂરું થવા આડે અઢી મહિના બાકી છે ત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે. તથા મોટાપાયે કરચોરી પકડાવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સી.આર.પાટિલનું કદ વધ્યું, લોકસભા 2024ની ચૂંટણીમાં બનશે કેપ્ટન!

મોટાપાયે કરચોરી પકડવાની શક્યતા

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ અને કચ્છમાં હક (Haq) સ્ટીલ જર્મન TMX લિ.ની 18 જેટલી પ્રિમાઈસીસ પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂં થવા આડે માંડ અઢી મહિના બાકી છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા સ્ટીલ કંપની પર દરોડા પાડતાં કરચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ કંપની પર દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાને પગલે બિનહિસાબી વ્યવહારો, રોકડ, ડોક્યુમેન્ટ, વગેરે સંબંધિત કોઈ માહિતી કે જાણકારી મળી શકી નથી. પરંતુ I.T. વિભાગના આ દરોડામાં મોટાપાયે કરચોરી પકડવાની શક્યતા હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદ અને રાજકોટના I.T. અધિકારીઓ પણ જોડાયા

કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ માટે બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ચાલુ નાણાંકીય વર્ષ માટે નિર્ધારીત કરાયેલા ટાર્ગેટને હાંસલ કરવાની કવાયતના ભાગરૂપે I.T.વિભાગ દ્વારા દરોડા, સર્ચ અને સરવેની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારીઓની 20 જેટલી ટીમ હક સ્ટીલ જર્મન TMX લિ.ની અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી કોર્પોરેટ ઓફિસ અને કચ્છમાં સામખિયાળી-મોરબી હાઈવે પર કાર્યરત હક સ્ટીલ એન્ડ મેટાલિક લિમિટેડ કંપનીમાં મંગળવારે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કંપની પર દરોડાની કાર્યવાહીમાં અમદાવાદ અને રાજકોટના I.T. અધિકારીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક, જાણો કયા મુદ્દા પર લેવાશે મોટા નિર્ણય

આ અંગે સત્તાવાર હજુ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી

આયકર વિભાગના 20 જેટલા અધિકારી-કર્મચારીઓની ટીમ પાંચ કારમાં પહોંચી હતી અને ગેટ સહિત કંપનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરવેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારથી શરૂ થયેલી તપાસની કામગીરી મોડી સાંજ સુધી યથાવત્ ચાલી રહી છે અને આ અંગે સત્તાવાર હજુ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

અમદાવાદ અને ગાંધીધામના અધિકારી-કર્મચારીઓની ટીમ પોલીસ સાથે પહોંચી

રાજ્યમાં સ્ટીલ એકમના પ્લાન્ટ અને કંપનીઓને સંલગ્ન સ્થળો પર આયકર વિભાગની તપાસ દરમિયાન કચ્છમાં સામખિયાળી મોરબી હાઇવે પર આવેલી હક સ્ટીલ એન્ડ મેટાલિંક લિમિટેડ કંપનીમાં સવારે છ કલાકના અરસામાં આયકર વિભાગની અમદાવાદ અને ગાંધીધામના અધિકારી-કર્મચારીઓની ટીમ પોલીસ સાથે પહોંચી ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તો બીજીતરફે, કંપનીના ગેટ અને ઓફિસ સહિતમાં હથિયારબદ્ધ પોલીસ કાફ્લો ગોઠવાઈ ગયો હતો. સર્ચ ઓપરેશનમાં આયકર વિભાગને બિનહિસાબી વ્યવહારો કે અન્ય કોઈ દસ્તાવેજો હાથ લાગ્યા કે કેમ ? તે સહિતની સત્તાવાર જાણકારી હજુ સુધી બહાર આવી નથી.

Back to top button