ડીસામાં કારગીલ યુદ્ધની રજત જયંતિ ઉજવાઈ, વીર સૈનિકોનું પૂજન કરાયુ
પાલનપુરઃ 26 જુલાઈ 2024, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર દ્વારા કારગીલ યુદ્ધની વિજય ગાથાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ નિમિતે માતૃ શ્રી એસ.એમ.જી રાજગોર હાઇસ્કુલ , રાણપુર, ડીસા ખાતે “ કારગીલ વિજય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ” ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામ ” અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિગીત , વીર જવાનોની શૌર્ય ગાથાઓ નું વર્ણન કરતી વકતૃત્વ સ્પર્ધા, એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા શૌર્ય ગીત, એન.સી.સી કેડેટ્સ તેમજ એન.એસ.એસ વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય રેલી જેવા કાર્યક્રમ યોજાયા હતા. તેમજ કાર્યક્રમમાં પધારેલ વીર સૈનિકોનું પૂજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. દેશના નાગરીકોના હૃદયમાં કૃતજ્ઞ રાષ્ટ્રભાવનાનો સંચાર કરવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા આયોજિત બે દિવસીય આ કાર્યક્રમ અંતર્ગત ભૌરવપુરા પ્રાથમિક શાળામાં દેશભક્તિ ગીત સ્પર્ધા તેમજ ચિત્ર હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાબરકાંઠા જિલ્લા યુવા પરીવાર ના કલાકારો દ્વારા કારગીલ યુદ્ધની પરાક્રમ ગાથા વર્ણવતી નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તેમજ કાર્યક્રમ અધ્યક્ષ, યુનિટ ૩૫,ગુજરાત બટાલિયન એનસીસી ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જગજીતસિંહ બસવાનાજીએ જણાવ્યું કે કારગિલ યુદ્ધ જે ઓપરેશન વિજયના નામથી જાણીતું છે એ માત્ર બે સીમાઓ વચ્ચે લડાયેલ યુદ્ધ નથી, પરંતુ આપણા વીર સૈનિકો મનોબળની કસોટી હતી. કારણ કે કારગીલ જેવા ઊંચાણવાળા દુર્ગમ વિસ્તારોમાં દુશ્મન દેશના સૈન્યને સંપૂર્ણ રીતે પીછેહટ કરાવવી એ ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણા વીર બહાદુર સૈનિકોએ કારગીલ યુદ્ધમાં સંપૂર્ણ રીતે વિજય પ્રાપ્ત કરી એમની શૌર્યતાનું પ્રમાણ આપ્યુ છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવશાળી ઇતિહાસ છે.
શાળાના આચાર્ય જયેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે આપણે ભારત દેશના એક સાચા નાગરિક તરીકે દેશના સર્વાંગી વિકાસ માટે તેમજ આંતરિક સુરક્ષા માટે કર્તવ્યનિષ્ઠ જીવન જીવવાનું પ્રણ લઈએ. રોજિંદા જીવનમાં આ દેશના એક સમર્પિત નાગરિક થવા માટે આપણી રોજિંદી ટેવોમાં સુધારો લાવીએ, પોતાનું કામ ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાથી કરીએ અને આપણા બહાદુર વીર સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આ પ્રસંગે પ્રકૃતિ જતનના સંકલ્પને સાકાર કરવા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા યોજાયેલ કારગિલ વિજય દિવસ ફોટો પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું.કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આયોજિત “ કારગીલ વિજય દિવસ “ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન તેમજ સંચાલન ક્ષેત્રીય પ્રચાર અધિકારી જે ડી ચૌધરીએ કર્યું હતું. રાહુલ આંજણા અને સ્ટાફ મિત્રો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.
આ પણ વાંચોઃબનાસકાંઠા: શિવધારા વોટરપાર્કને ગ્રાહકને ₹15,000 ચૂકવવાનો આદેશ