સિક્કિમ બન્યું વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે જારી કર્યું પ્રમાણપત્ર
ઘણા મહિનાઓ પહેલા સિક્કિમ વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું હતું પરંતુ હવે તેને પ્રમાણપત્ર પણ મળી ગયું છે. લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે સિક્કિમને વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્યનું પ્રમાણપત્ર જારી કર્યું છે. સિક્કિમને ગુનામુક્ત રાજ્ય અને શ્રેષ્ઠ શાસનવાળા રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે આ માટે સિક્કિમને અભિનંદન પાઠવ્યા છે.
1960માં હરિત ક્રાંતિની શરૂઆત થઇ હતી
તમને જણાવી દઈએ કે ભારતમાં વર્ષ 1960માં હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી. આ કારણે વધુ અનાજ ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ પણ વધ્યો. જેના કારણે જમીન અને પાણી, હવાની ગુણવત્તા પર ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં, ભારતના પૂર્વોત્તર રાજ્ય સિક્કિમે ઓર્ગેનિક ખેતી તરફ પગલું ભર્યું અને હવે આ રાજ્ય વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય છે અને તે સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ તરીકે રજૂ થઈ રહ્યું છે.
સરકારે રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો
ઓર્ગેનિક પદ્ધતિ ખેતીની એક પ્રાચીન પદ્ધતિ છે, જેમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને કુદરતી ખાતરો જેમ કે ગાય-ભેંસના છાણ, કમ્પોસ્ટ ખાતર, લીમડાનું ખાતર વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. જેના કારણે જમીનની ગુણવત્તા પણ બગડતી નથી. સિક્કિમે સૌપ્રથમ 75 હજાર હેક્ટર જમીન પર જૈવિક ખેતી શરૂ કરી. આ અંતર્ગત સિક્કિમ સરકારે નક્કી કરેલી જમીન પર રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉલ્લંઘન માટે ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી.