શિંદેની નવી પાર્ટીના ચૂંટણી ચિન્હ પર શીખ સમુદાયને વાંધો, ચૂંટણી પંચ સમક્ષ રદ કરવાની માગ
નાંદેડઃ શિવસેનાના શિંદે જૂથની નવી પાર્ટી ‘બાળાસાહેબની શિવસેના’ને આપવામાં આવેલા ચૂંટણી ચિન્હ ‘બે તલવાર અને એક ઢાલ’ પર નાંદેડના શીખ સમુદાયે આપત્તિ વ્યક્ત કરી છે. નાંદેડના સચખંડ ગુરુદ્વારા બોર્ડના પૂર્વ સભ્ય રંજીતસિંહ કામઠેકરે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરીને આ ચૂંટણી ચિન્હને રદ કરવાની માગ કરી છે. શીખ સમુદાયનું કહેવું છે કે શિંદે જૂથને ફાળવવામાં આવેલું ચૂંટણી ચિન્હ (બે તલવાર અને એક ઢાલ) ખાલસા પંથનું ધાર્મિક પ્રતીક છે. તો આ પહેલાં સમતા પાર્ટીએ પણ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના મશાલને લઈને વાંધો ઉઠાવ્યો હતો.
શું કહેવું છે શીખ સમુદાયનું?
ગુરુદ્વારા સચખંડ બોર્ડ- નાંદેડના પૂર્વ સચિવ રજીતસિંહ કામઠેકર અને એક સ્થાનિક કોંગ્રેસ નેતાએ ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી ચિન્હની મંજૂરી ન આપવાનું કહ્યું છે, કેમકે તેનો ધાર્મિક અર્ત છે. તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચ દ્વારા કોઈ સંજ્ઞાન લેવામાં નહીં આવે તો તેઓ કાર્યવાહી માટે કોર્ટ જવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું કે અમારા ધાર્મિક ગુરુ શ્રીગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથના ધાર્મિક પ્રતીક તરીકે તલવાર અને ઢાલને સ્થાપિત કર્યા હતા. કામથેકરે કહ્યું કે જે રીતે આ ચૂંટણી પંચે આ જૂથને ત્રિશૂલ અને ગદા ન આપી અને ધાર્મિક અર્થનો હવાલો આપ્યો તેવી જ રીતે આ પણ એક ધાર્મિક મામલો છે.