ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં સહી ઝૂંબેશ શરૂ થઈ
અમદાવાદ, 03 માર્ચ 2024, રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીએ સવારથી મીડિયાને દૂર રાખી ગુપ્ત જગ્યાએ મિટિંગ કરી અને ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાથેના વિવાદના કેટલાક નિર્ણયો લીધા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર રાજકોટની સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં સહી ઝૂંબેશ હાથ ધરાઈ છે.
એક વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થયો
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે રાજકોટમાં તેમના સમર્થનમાં સહી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ સહી ઝૂંબેશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા રૂપાલાના સમર્થનમાં સહી કરતાં હોય તેવું જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં અલગ અલગ સમાજના લોકો સહી કરીને રૂપાલાને સમર્થન આપી રહ્યાં છે.
રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં કાર્યક્રમનું આયોજન
બીજી તરફ રૂપાલાને સમર્થન આપવા માટે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરિશ ડેર પણ મેદાનમાં આવ્યાં છે. આગામી પાંચમી તારીખે રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંબરીશ ડેરની આગેવાનીમાં રૂપાલાના સમર્થનમાં 5 તારીખે સાંજે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી હવે ભાજપ રૂપાલાને કોઈપણ સંજોગોમાં બદલવાના મૂડમાં નથી તેવું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃભાજપ-ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ: રૂપાલાની ટિકિટ રદ થવાની શક્યતાઓ વધી