ઓખા-બેટ વચ્ચેનો સિગ્નેચર બ્રિજ તૈયાર, PM મોદીના હસ્તે થઈ શકે છે ઉદ્દઘાટન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનુ અંતે સાકાર થવાની તૈયારી પર
- ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના ઐતિહાસિક સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું
- ૯૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો બ્રિજ દ્વારકાની ઓળખ સમાન બની રહેશે
જામનગર, 10 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનુ અંતે સાકાર થવાની તૈયારી પર છે, કારણ કે ઓખા-બેટ દ્વારકા વચ્ચેના ઐતિહાસિક સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે અને ગમે ત્યારે આ બ્રિજનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્દઘાટન થવાની તારીખ જાહેર થશે, આ દરમિયાનમાં બ્રિજની ક્ષમતા કેવી છે? કામ મજબુત થયું છે કે કેમ? કોઇ ખામી તો રહી નથી ને? તે ચેક કરવાના આશયથી તંત્ર દ્વારા મંગળવારે આ બ્રિજ પર હેવી માલ લોડ કરીને એકી સાથે ૪૮ ટ્રક દોડાવવામાં આવી હતી, જેનાથી એ બાબત સ્પષ્ટ થઇ છે કે સિગ્નેચર બ્રિજનું કામ સંપૂર્ણ રીતે થઇ ગયું છે. રૂ.૯૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ દ્વારકાની ઓળખ સમાન બની રહેશે.
Okha-Beyt Dwarka Signature Bridge, Gujarat 🇮🇳 pic.twitter.com/1tvc5khe6K
— Vineett bhargava (विनीत भार्गव) (@Vineetbhargava9) October 5, 2023
દેવભૂમિ દ્વારકા ચારધામ પૈકીનું એક ધામ
મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા ચારધામ પૈકીનું એક છે, ઘણા નાના-મોટા ધર્મસ્થાનો આ જિલ્લામાં આવેલા છે, આ પૈકીના બેટ દ્વારકાનું એટલું જ મહત્ત્વ છે, વર્ષોથી અહીં જવા માટે ઓખા જેટીથી પેસેન્જર બોટ મારફત લોકોને જવું પડે છે અને દરિયાના મીજાજ પ્રમાણે ગમે ત્યારે પરીવહન બંધ પણ થઇ જતું હોય છે. હવે આ તમામ સમસ્યાઓ આવનારા દિવસોમાં પૂર્ણ થશે, કારણ કે ૨૩૨૦ મીટરના એટલે કે ૩.૭૩ કિ.મી. લાંબા અને ૨૭.૨ મીટર પહોળા આ સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે, ૭ ઓકટોબર ૨૦૧૭ના રોજ બ્રિજ બનાવવાની કામગીરીનો શુભારંભ થયો હતો અને ૩૬ મહીનામાં કામ પૂર્ણ કરવા માટેની ડેડલાઇન અપાઇ હતી. દરિયા પર બનેલા આ બ્રિજનું દૃશ્ય જેટલું ખુબસૂરત છે તેટલી તેની સફર પણ અદભૂત અનુભવ આપનાર બની રહેશે. આ બ્લુ બેલ બ્રિજ દ્વારકા માટે એક નજરાણું બની રહેશે અને સ્વભાવિક રીતે બ્રિજનું લોકાર્પણ થઇ ગયા બાદ ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવશે.
સિગ્નેચર બ્રિજનું કરવામાં આવ્યું પરીક્ષણ
ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રીજનું કામ પૂર્ણ થતાં મંગવારે બ્રિજ પર ૪૪૭૦૦ કિલો વજન લૉડ કરેલી ૪૮ ટ્રક એક સાથે બ્રિજની કૅપેસિટીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સફળ ટેસ્ટિંગ બાદ હવે ટૂંક સમયમાં આ બ્રિજના લોકાર્પણની જાહેરાત થઈ શકે છે. અંદાજે ૯પ૦થી વધુ કરોડના ખર્ચે બનેલો આ સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેના લોકાર્પણની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ દરમિયાન બેટ ખાતે દેશભરમાંથી અસંખ્ય વૈષ્ણવો તેમજ શિખ સમુદાયના લોકો દર્શનાર્થે આવતાં હોય છે અને અત્યાર સુધી ઓખાથી બોટ મારફત બેટ જતા હોય છે. પરંતુ આગામી દિવસોમાં પોતાના વાહન મારફત ડાયરેક્ટ બેટ જઈ શકશે. ઓખા-બેટ વચ્ચે ચાલતી બોટ સાંજે ૬ વાગ્યે બંધ થઈ જતી હોય છે જેના કારણે સાંજના ૬ વાગ્યા પછી ભાવિકો કે સહેલાણીઓ બેટ જઈ શકતાં ન હતાં, પરંતુ હવે સિગ્નેચર બ્રીજ આગામી દિવસોમાં શરૂ થતા લોકો ગમે ત્યારે બેટ જઈ શકાશે.
બ્રિજનું કામ પૂર્ણ થવાની આરે હતું ત્યારે પણ એ વાત ઊઠી હતી કે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ થશે, હવે જ્યારે સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે અને મોટી ટ્રાયલ રન પણ થઇ ગઇ છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં જ વડાપ્રધાનના હસ્તે બ્રિજનું ઉદઘાટન થઇ શકે છે.
આ પણ જુઓ :લક્ષદ્વીપ બનશે ભારતનું મુખ્ય પ્રવાસન સ્થળ, સરકાર આ વસ્તુઓ બનાવવાની કરી રહી છે તૈયારી