અમદાવાદ, 02 ઓગસ્ટ 2024, ગત 30 જુલાઈની રાત્રે CID ક્રાઇમે અમદાવાદ અને ગાંધીનગરની મોટી મોટી હોટેલો અને સ્પામાં રેડ કરી હતી. આ રેડમાં 35 પોલીસ ઇન્સ્પેક્ટરની જોડાઈ હતી અને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર સેક્સ રેકેટના તાર શોધવા માટે CID ક્રાઇમ તપાસ કરી રહી હતી. ગુરુવારે રાત્રે વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટલમાં તપાસ કરતા ત્યાં બે રશિયન યુવતીનું નામ આ રેકેટમાં ખુલ્યું હતું. તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને પાસપોર્ટ જોવા માટે સીઆઇડીની ટીમ પહોંચી ત્યારે આ રશિયન યુવતીઓએ તાયફો કર્યો હતો. ત્યાં આવેલી પોલીસ સાથે ઝઘડો કરી લાતો મારવા લાગી હતી. હાલ આ રશિયન યુવતીઓ સામે પોલીસ પર હુમલો કરવા અંગેની સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે.
View this post on Instagram
રશિયન યુવતી હોટેલમાં હોવાની બાતમી મળી હતી
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શૈલી હોટલમાં સીઆઈડી ક્રાઈમને બાતમી મળી હતી કે, તેમણે કરેલી રેડમાં જે રશિયન યુવતીનું નામ હતું તે ત્યાં છે. આ કેસમાં તેને સાક્ષી બનાવી ભોગ બનનાર તરીકે તેને દર્શાવવાની હતી. જે સંદર્ભે તેના ડોક્યુમેન્ટ માંગવા અને વેરિફિકેશન કરવા માટે CID ક્રાઇમની ટીમ હોટલ પર પહોંચી હતી. પોલીસે જ્યારે હોટલના રૂમ પર જઈને યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી ત્યારે યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણીએ દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. આ યુવતીને બહાર લાવવા માટે તેના પરિચિતને બોલાવવામાં આવ્યા હતા.જો કે તેમ છતાં તે બહાર આવી નહીં અને થોડા સમય પછી આ યુવતીઓ જોર જોરથી બૂમો પાડતી લોબીમાં આવી હતી અને પોલીસ સાથે ઝઘડો કરવા લાગી હતી.
ઉશ્કેરાયેલી રશિયન યુવતીએ પોલીસ કર્મી પર હાથ ઉઠાવ્યો
પોલીસ જ્યારે યુવતીને સમજાવી રહી હતી ત્યારે યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તે પોલીસ સાથે ઝઘડો કરવા લાગી હતી. પિંક કલરના ડ્રેસમાં રહેલી યુવતીએ બ્લૂ શર્ટ પહેરેલા પોલીસ કર્મી સામે હાથ ઉઠાવીને કહ્યું હતું કે, મને લાફો કેમ માર્યો? આ ઉપરાંત પોલીસને લાતો મારીને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે તેમણે મહિલા પોલીસની વધુ જરૂર હોવાથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને વસ્ત્રાપુર પોલીસે વધુ મહિલા ફોર્સને મોકલીને આ બંને યુવતીને જેમ તેમ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. ત્યાં પણ તેમણે ધમાલ મચાવી હતી. ત્યાં તેણે ડ્રાઇવરને લાતો મારી હતી. સરકારી વાહનમાં બેસાડતા પહેલા તેણે કાગારોળ મચાવી હતી.આ અંગે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલે મીડિયાને જણાવ્યું છે કે, અમારા પીઆઇ રાઠોડ અને તેમની ટીમ પર હુમલો થયો છે જેની ફરિયાદ નોંધાઈ છે.
15 જગ્યાએ નીલ રેડ થઈ હોવાનું સામે આવ્યું
CID ક્રાઈમે 31મી જુલાઈએ કરેલી રેડમાં હોટેલોમાંથી વિદેશી યુવતીઓ પકડાઈ હતી.જેને અનૈતિક કામ માટે સ્પામાં સંતાડવામાં આવી હતી. જ્યારે કેટલીક હોટલમાં દારૂ, યુવતીઓ અને ટ્રાન્સજેન્ડર મળી આવ્યા છે. આ સમગ્ર રેડ દરમિયાન CID ક્રાઇમે કુલ 22 જેટલા ગુના નોંધીને સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાવી દીધો છે. તેમજ 42 લોકોની અટકાયત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરના ઘણી હોટલ અને સ્પા પર રેડ કર્યા બાદ વિદેશી યુવતીઓ દારૂની મહેફિલ અને અન્ય યુવતીઓને લાવવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી. કુલ 35ની અંદર 20 જગ્યાએ સફળ રેડ થઈ ગઈ હતી. જ્યારે બીજી 15 જગ્યાએ નીલ રેડ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃઅમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમે 30થી વધુ સ્થળોએ પાડ્યા દરોડા