
ગીર સોમનાથઃ સમગ્ર દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી એન.વી.ઉપાધ્યાય સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતાનો ઉત્સવ, સ્વચ્છતા સાથે’ની થીમ પર યોજાયેલી આ રેલી ટાવર ચોકથી થઈ સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાકમાર્કેટ થી ટાવરચોક પરત ફરી હતી.
આ તિરંગા યાત્રાના સમાપન અવસરે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, દેશના સ્વાભિમાન સમા ૧૫મી ઓગસ્ટના તહેવારના પૂર્વાર્ધે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની ‘હર ઘર તિરંગાયાત્રા’ વેરાવળ ખાતે યોજાઈ હતી. જેમાં વેપારી એસોસિએશન, વિવિધ સંસ્થાઓ સહિત વેરાવળના આશરે ૪૦૦૦ નાગરિકોએ તિરંગા રેલીમાં ભાગ લીધો હતો.
આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, નાગરિકોમાં દેશભક્તિનો સંચાર થાય તેવા શુભ આશયથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના વાતાવરણમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વેરાવળના નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયાં હતા. આ ઉપરાંત, તાલુકાઓમાં પણ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયાં હતાં.
આ તિરંગા યાત્રામાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર ‘ગાંધીજી’, ‘ડૉ.બાબા સાહેબ આંબેડકર’, ‘સ્વામી વિવેકાનંદ’, ‘ભારતમાતા’ની વેશભૂષા ધારણ કરી હતી અને સીદી સમાજનું પરંપરાગત ધમાલ નૃત્ય, હૂડો રાસ, મણિયારો રાસ, કથ્થક નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. જે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી વેરાવળના મુખ્ય માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.
આ પણ વાંચોઃ તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી, ૫,૯૧,૫૦૦ નો દંડ વસૂલ્યો












