ટોપ ન્યૂઝનેશનલ

ગુરુ… મુક્કો ભારે પડ્યો; રોજની લાખો રૂપિયાની કમાણી કરનાર સિદ્ધુ હવે જેલમાં રોજના 90 રૂપિયા કમાશે

Text To Speech

રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુને પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. હવે સિદ્ધુ એક વર્ષ સુધી પટિયાલા જેલમાં રહેશે. એક દિવસમાં લાખો રૂપિયાની કમાણી કરનાર પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ પટિયાલા જેલમાં હવે રોજના 30 રૂપિયાથી 90 રૂપિયા સધીની કમાણી કરશે. એટલું જ નહીં જેલમાં શરૂઆતના ત્રણ મહિના તેમને વેતન વગર કાઢવા પડશે. જેનો અર્થ સ્પષ્ટ છે કે ત્રણ માસ સુધી સિદ્ધુએ જેલમાં કામ તો કરવું પડશે પરંતુ તેની અવેજીમાં તેને કોઈ રકમ નહીં મળે. જેલના નિયમ મુજબ કઠોર જેલની સજા મેળવનાર સિદ્ધુને જેલના કામ માટે અયોગ્ય ગણાવીને શરૂઆતના ત્રણ મહિના કામ શીખડાવામાં આવશે એટલે કે ટ્રેનિંગ આપવામાં આવશે.

સિદ્ધુને જેલમાં કામ કરીને 30થી 90 રૂપિયાનું વળતર મળશે
જેલમાં રહીને સિદ્ધુની લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવશે. પોતાની રંગીન ડ્રેસિંગ સ્ટાઈલ માટે ખાસ કરીને હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચર્ચામાં રહેલા સિદ્ધુને જેલમાં સફેદ કપડાં જ પહેરવા પડશે. જેલના નિયમો મુજબ સજા ભોગવતા કેદીઓને સફેદ કપડાં પહેરવા પડે છે. તો સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધુને ભણેલો-ગણેલો હોવાને કારણે જેલની ફેક્ટરીમાં કામ આપવામાં આવી શકે છે, જ્યાં બિસ્કિટ તેમજ ફર્નિચરનો સામાન બને છે. તેમને જેલની લાયબ્રેરી કે ઓફિસમાં પણ કોઈ કામ મળી શકે છે. ત્રણ માસ વેતન વગર કામ કર્યા બાદ સિદ્ધુને પહેલાં અર્ધકુશળ કેદી માનવામાં આવશે અને આ દરમિયાન તેમને કામના બદલામાં 30 રૂપિયા વળતર મળશે. જે બાદ કુશળ કેદી બન્યા બાદ રોજના 90 રૂપિયા કમાઈ શકશે.

સિદ્ધુનું જેલમાં આ હશે રુટીન
સિદ્ધુનો દિવસ જેલમાં સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. જે બાદ સાત વાગ્યે ચાની સાથે બિસ્કીટ કે કાળા ચણા મળી શકે છે. સવારે 8 વાગ્યે નાશ્તામાં ચપાતી, દાળ, શાક મળશે. જે બાદ જેલમાં અન્ય કેદીઓની જેમ તેમને પણ કામ માટે લઈ જવામાં આવશે. સાંજે સાડા પાંચ વાગ્યે કામમાંથી રજા અપાશે. સાંજે સાડા છ વાગ્યે રાતનું જમવાનું આપવામાં આવશે અને પછી સવા સાત વાગ્યે અન્ય કેદીઓની જેમ તેમને પણ બેરેકમાં બંધ કરી દેવામાં આવશે.

27 ડિસેમ્બર, 1988નાં રોજ સિદ્ધુનો પટિયાલામાં પાર્કિગ બાબતે 65 વર્ષના ગુરુનામ સિંહ નામની વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો

સારો વ્યવહાર રહ્યો તો ચાર માસ પછી મળી શકે છે પેરોલ
જાણકારી મુજબ નિયમો મુજબ સિદ્ધુને હાલ ચાર માસ તો જેલમાં જ રહેવું પડશે. અને દરમિયાન તેમનું આચરણ યોગ્ય રહેશે તો જેલ અધીક્ષક તેમને પેરોલ આપવા માટે ભલામણ કરી શકે છે. તેમને 28 દિવસ સુધીના પેરોલ મળી શકે છે.

શું હતો મામલો?
સિદ્ધુ વિરુદ્ધ રોડ રેજનો મામલો વર્ષ 1988નો છે. 27 ડિસેમ્બર, 1988નાં રોજ સિદ્ધુનો પટિયાલામાં પાર્કિગ બાબતે 65 વર્ષના ગુરુનામ સિંહ નામની વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે બંને વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સિદ્ધુએ કથિત રીતે ગુરુનામ સિંહને મુક્કો માર્યો હતો. પછીથી તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે નવજોત સિંહ સિદ્ધુ અને તેમના એક મિત્ર રૂપિંદર સિંહ સિદ્ધુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સેશન કોર્ટે નિર્દોષ છોડ્યો, હાઈકોર્ટે કરી સજા
સિદ્ધુનો રોડ રેજનો કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન સેશન કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને પુરાવાનો અભાવ હોવાનું કહીને 1999માં નિર્દોષ છોડ્યો હતો. એ પછીથી પીડિત પક્ષ સેશન કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયો હતો. વર્ષ 2006માં હાઈકોર્ટે આ મામલામાં નવજોતસિંહ સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા કરી હતી.

રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુને પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. હવે સિદ્ધુ એક વર્ષ સુધી પટિયાલા જેલમાં રહેશે

સુપ્રીમ કોર્ટે દંડ કરીને છોડી દીધો હતો
હાઈકોર્ટે કરેલી સજા વિરુદ્ધ નવજોતસિંહ સિદ્ધુ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે 16 મે 2018ના રોજ સિદ્ધુને ઈરાદા વગરની હત્યાના આરોપમાં લાગેલી કલમ 304 IPCમાં નિર્દોષ છોડ્યો હતો. જોકે IPCની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના મામલામાં સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો. એમાં તેને જેલની સજા થઈ નહોતી. સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યો હતો.

Back to top button