સિદ્ધુ મૂસેવાલાની માતાએ 58 વર્ષની વયે પુત્રને આપ્યો જન્મ, પિતાએ શેર કરી તસ્વીર
ભટિંડા (પંજાબ), 17 માર્ચ: દિવગંત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના ઘરે પારણું બંધાયું છે. તેની માતા ચરણ કૌરે 58 વર્ષની વયે પુત્રને જન્મ આપ્યો છે. મૂસેવાલાના પિતા બલકૌર સિંહે ખુદ સોશિયલ મીડિયા પર આ ખુશખબરી આપી છે. સિદ્ધુના પિતા બલકૌર સિંહે તેમના નવજાત પુત્રની તસવીર શેર કરતાં લખ્યું કે, ‘શુભદીપને પ્રેમ કરનારા લાખો-કરોડો આત્માઓના આશીર્વાદ સાથે, અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.
View this post on Instagram
મૂસેવાલાની હત્યાના બે વર્ષ બાદ ઘરમાં ખુશી આવી
ઉલ્લેખનીય છે કે પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાના લગભગ બે વર્ષ બાદ રવિવારે બલકૌર અને તેમની પત્નીના ઘરમાં મૃત્યુના માતમ બાદ કિલકારી ગુંજી ઉઠી છે. મૂસેવાલાના પિતાએ તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને કહ્યું કે, તેમને મૂસેવાલાના નાના ભાઈના રૂપે આશીર્વાદ મળ્યા છે.
બલકૌરે પહેલા પ્રેગનેન્સીની વાતને રદિયો આપ્યો હતો
અગાઉ, બલકૌર સિંહે 58 વર્ષની વયે તેમની પત્નીના ગર્ભાવસ્થાના સમાચારને નકારી કાઢ્યા હતા અને દરેકને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમે સિદ્ધુના ફેન્સના આભારી છીએ જેઓ અમારા પરિવારની ચિંતા કરે છે. પરંતુ અમે વિનંતી કરીએ છીએ કે પરિવાર વિશે એટલી બધી અફવાઓ ચાલી રહી છે કે તેના પર વિશ્વાસ ન કરી શકાય. જે પણ સમાચાર હશે તે પરિવાર તમારા બધા સાથે શેર કરશે.
સિદ્ધુની માતાએ આ ટેકનિકની મદદથી બાળકને જન્મ આપ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂસેવાલાની માતાએ બાળકને જન્મ આપવા માટે ઇન વિટ્રો-ફર્ટિલાઇઝેશન થેરાપી (IVF) લીધી હતી. મહત્ત્વનું છે કે 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાની માણસામાં 29 મે 2022ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પંજાબી ગાયકને નજીકથી શૂટ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ મૂસેવાલા પર 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ પણ વાંચો: ગર્ભવતી નથી સિદ્ધૂ મૂસેવાલાની માતા, જાણો શું કહ્યું સિંગરના પિતાએ?