સિધ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌર પ્રેગનેન્ટ! IVF થી આપશે બાળકને જન્મ
- સિધ્ધુ મૂસેવાલાની 56 વર્ષીય માતા ચરણ કૌર સિંહ ગર્ભવતી છે અને તેઓ માર્ચ મહિનામાં એક બાળકને જન્મ આપશે. ચરણ કૌર સિંહ IVFથી બાળકને જન્મ આપશે.
ચંદીગઢ, 27 ફેબ્રુઆરીઃ દિવંગત લોકપ્રિય પંજાબી સિંગર સિધ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી કિલકારીઓ ગૂંજશે. સિધ્ધુ મૂસેવાલાનાં માતા-પિતા ટૂંક સમયમાં જ તેમના પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરવા માટે તૈયાર છે. સિધ્ધુ મૂસેવાલાની 56 વર્ષીય માતા ચરણ કૌર સિંહ ગર્ભવતી છે અને તેઓ માર્ચ મહિનામાં એક બાળકને જન્મ આપશે. ચરણ કૌર સિંહ IVFથી બાળકને જન્મ આપશે. આ વાતને સિધ્ધુ મૂસેવાલાના કાકા ચમકૌર સિંહે સમર્થન આપ્યું છે. સિધ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પહેલી વખત તેમના ઘરમાં ખુશીઓનું આગમન થશે. જોકે તેનાં માતા-પિતા તરફથી હજુ સુધી કોઈ કોમેન્ટ આવી નથી.
IVF ટેક્નોલોજીની મદદથી ચરણ કૌર સિંહ બનશે માતા
સિધ્ધુ મૂસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિધ્ધુ મૂસેવાલા માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. તેથી સિધ્ધુ પરિવારના વારસદાર અંગે તેમના પ્રશંસકો સતત ચિંતા કરી રહ્યા હતા. આ જ કારણ છે કે હવે IVF ટેક્નોલોજીની મદદથી સિધ્ધુની માતાએ ગર્ભવતી બનવાનો નિર્ણય લીધો હતો. માર્ચ મહિનામાં સિધ્ધુની માતા બાળકને જન્મ આપશે. આ જાણકારી સામે આવતાં જ મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
દિકરાની હત્યાથી માતા-પિતાના માથે આભ તૂટી પડ્યું હતું
29 જુન 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં પ્રખ્યાત પંજાબી સિંગર શુભદીપ સિંહ સિધ્ધુ ઉર્ફે સિધ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી. આ ઘટનાની પરિવારજનો પર ખૂબ ઊંડી અસર થઈ હતી, પરંતુ માતા-પિતાના માથે તો જાણે આભ તુટી પડ્યું હતું.
સિદ્ધૂ મૂસેવાલા પર બનશે ફિલ્મ
સિધ્ધુ ટૉપ પંજાબી સિંગર હતો. તે ગીત ફક્ત ગાતો ન હતો, પરંતુ તેને પ્રોડ્યૂસ પણ કરતો હતો. સિધ્ધુના નિધન બાદ તેના ગીતો ચાલતા રહ્યા અને તેણે વ્યૂઝમાં અનેક રેકોર્ડ બ્રેક કર્યા. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે હૂ કિલ્ડ મૂસેવાલા પુસ્તક પર એક ફિલ્મ બનાવવામાં આવશે. જેના રાઈટ્સ મેચબોક્સ શોટ્સ પ્રોડક્શન હાઉસે ખરીદ્યા છે.
આ પણ વાંચોઃદીકરાને કૂતરાની જેમ પટ્ટો બાંધેલો જોઈ લોકો નારાજ, બચાવમાં મહિલાએ કહ્યું…