

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં એક તરફ દરેક પક્ષો મતદાતાઓને રીઝવવાના પ્રયાસમાં છે, તો બીજી તરફ કેટલાંક નેતાઓ પોતાની રાજકીય કેરિયરને ગતિ આપવા જયાં લાભ મળતો હોય તે પક્ષ તરફ વળી રહ્યાં છે. ત્યારે આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને હવે ભાજપમાં સામેલ થનારા હાર્દિક પટેલની સાથે વધુ એક નામ સામે આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે. આ અગાઉ તેમને રાજભવનમાં PM મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે શ્વેતાએ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.
કોંગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ છેઃ શ્વેતા બ્રહ્મભટ્ટ
કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટનુ નિવેદન સામે આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, હું જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાઇ તે પુર્ણ ના થઇ શકી, કોંગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ છે. તેમને કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જો પાર્ટી કોઇ જવાબદારી આપે તો સિનિયર નેતાઓ કામ કરવા દેતા નથી. મને યોગ્ય પ્રમાણે કામ કરવા દેવામાં આવતી નહોતી. હું ટીકા નથી કરતી, મારા મુદ્દાને ધ્યાને લઇ અમલી કરણ કરશે તો કોંગ્રેસને જ ફાયદો થશે.
તેમને ઉમેર્યું હતું કે, મેં ભાજપના કાર્ય પધ્ધતિ જોઇ તેમનું મેનેજમેન્ટ જોયું માટે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. ભાજપ ચૂંટણી જીત્યાના બીજા દિવસથી કામે લાગી જાય છે. પરંતુ કોંગ્રેસમાં આવું નથી. ભાજપની આવડત સારી છે સારી રીતે વ્યક્તિઓને ઓળખે છે. મને આગામી સમયમાં પાર્ટી જે જવાબદારી આપશે તે હું સારી રીતે નિભાવીશ. અને તેમણે ઉમેર્યું હતું કે, જો પાર્ટી કહેશે તો હું ચૂંટણી પણ લડીશ.
શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા હતા
શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. PM મોદી સાથેની મુલાકાત બાદ શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે. વર્ષ 2017માં કૉંગ્રેસે યુવા ચહેરોને તક આપી તમામને ચોંકાવી દિધા હતા. શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં.

હાલમાં જ PM મોદી સાથે કરી હતી મુલાકાત
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે એવી અટકળો તેજ બની હતી. આ મુદ્દે નરેન્દ્ર બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ મોદીના ચાહક હોવાથી તેમને મળ્યાં હતાં. ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન નથી.

શ્વેતાના પિતા હેલ્થ કમિટીના ચેરમેન હતા
અમદાવાદ મ્યુનિ.માં વર્ષ 2000થી 2005ના શાસનમાં કોંગ્રેસના હેલ્થ કમિટીના ચેરમેન રહેલા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. શ્વેતા બ્રહ્મભટ્ટ નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી છે.

IIM બેંગલોરમાંથી કર્યો છે કોર્સ
મણીનગર વિસ્તારમાં રહેતા શ્વેતા બ્રહ્મભટ્ટને નાનપણથી જ સામાજીક કાર્ય કરવાનો શોખ છે. તે વર્ષ 2012માં બેંગ્લોર IIMમાં પોલીટીકલ લીડરશીપ ફોર વુમનના કોર્સ કરી ચુક્યા છે. જેમાં તેમણે 80 ટકા સ્કોલરશીપ મેળવીને 4.5 મહીનાનો આ કોર્સ કર્યો હતો. ત્યારબાદ દેશના યુવા વર્ગ માટે કંઇક કરવાની તેમની જીજ્ઞાસા વધી હતી.