ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં એક તરફ દરેક પક્ષો મતદાતાઓને રીઝવવાના પ્રયાસમાં છે, તો બીજી તરફ કેટલાંક નેતાઓ પોતાની રાજકીય કેરિયરને ગતિ આપવા જયાં લાભ મળતો હોય તે પક્ષ તરફ વળી રહ્યાં છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
આ તકે શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માંગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે. આ એક એવી બોટ છે જેના પાંચ અલગ અલગ ચાલકો છે. ત્યાં મેનેજમેન્ટની કમી છે. દરેક કાર્યકરને સમાન ગણવામાં આવતા નથી તે કોંગ્રેસની સૌથી મોટી કમી છે.
આ અગાઉ તેમને રાજભવનમાં PM મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે 500 જેટલા કાર્યકરો પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે શ્વેતાએ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.
ભાજપની કાર્યપદ્ધતિ અને મેનેજમેન્ટ જોઈ પક્ષમાં જોડાવવાનો નિર્ણય કર્યોઃ શ્વેતા બ્રહ્મભટ્ટ
કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટનુ નિવેદન સામે આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, હું જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાઇ તે પુર્ણ ના થઇ શકી, કોંગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ છે. તેમને કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જો પાર્ટી કોઇ જવાબદારી આપે તો સિનિયર નેતાઓ કામ કરવા દેતા નથી. મને યોગ્ય પ્રમાણે કામ કરવા દેવામાં આવતી નહોતી. હું ટીકા નથી કરતી, મારા મુદ્દાને ધ્યાને લઇ અમલી કરણ કરશે તો કોંગ્રેસને જ ફાયદો થશે.
શ્વેતાએ વધુમાં કહ્યું હતું કે, મેં ભાજપની કાર્યપધ્ધતિ જોઇ તેમનું મેનેજમેન્ટ જોયું માટે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. ભાજપ ચૂંટણી જીત્યાના બીજા દિવસથી કામે લાગી જાય છે. પરંતુ કોંગ્રેસમાં આવું નથી. ભાજપની આવડત સારી છે સારી રીતે વ્યક્તિઓને ઓળખે છે. મને આગામી સમયમાં પાર્ટી જે જવાબદારી આપશે તે હું સારી રીતે નિભાવીશ. અને તેમણે ઉમેર્યું હતું કે, જો પાર્ટી કહેશે તો હું ચૂંટણી પણ લડીશ.
શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા હતા
શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. PM મોદી સાથેની મુલાકાત બાદ શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે. વર્ષ 2017માં કૉંગ્રેસે યુવા ચહેરોને તક આપી તમામને ચોંકાવી દિધા હતા. શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં.
હાલમાં જ PM મોદી સાથે કરી હતી મુલાકાત
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે એવી અટકળો તેજ બની હતી. આ મુદ્દે નરેન્દ્ર બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ મોદીના ચાહક હોવાથી તેમને મળ્યાં હતાં. ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન નથી.