T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

ગિલે રોહિતને અનફોલો કર્યો ; ગેરશિસ્ત કે પછી ભારત વહેલા પાછા જવાથી ગુસ્સે?

Text To Speech

15 જૂન, અમદાવાદ: એક તાજા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ ઇન્ડિયાના ઓપનીંગ બેટ્સમેન શુભમન ગિલે રોહિત શર્માને અનફોલો કર્યો છે. શુભમન ગિલે પોતાના જ કેપ્ટન રોહિત શર્માને Instagram પર અનફોલો કરી દેવાથી અટકળોનું  બજાર અચાનક જ ગરમ થઇ ગયું છે.

આપણે જાણીએ છીએ કે આજે ફ્લોરિડાના લાઉડરહિલ ખાતે ભારત હાલમાં રમાઈ રહેલા ICC T20 World Cup 2024ની પોતાની અંતિમ લીગ મેચ કેનડા સામે રમશે. હજી તો ભારતે Super 8s અને પછી સેમીફાઈનલ અને ફાઈનલ સુધીની સફર ખેડવાની છે અને એવામાં આ રીતે ટીમમાં તડાં પડ્યા હોવાની ખબર કોઈપણ ફેનને બેચેન બનાવી શકે છે.

ગિલે રોહિત શર્માને અનફોલો કર્યા પાછળ બે થિયરી ચાલી રહી છે. એક થિયરી એમ કહી રહી છે કે શુભમન ગિલને ગેરશિસ્તને કારણે ભારત પરત મોકલવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી ગુસ્સે થઈને ગિલે રોહિતને Instagram પર અનફોલો કરી દીધો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે ગિલ ભલે રિઝર્વ તરીકે ટીમ સાથે રહ્યો હોય પરંતુ તે ટીમને પ્રેક્ટીસ વગેરેમાં મદદ નહોતો કરી રહ્યો અને પોતાની રીતે બહાર ફરતો હતો અને ફોટોગ્રાફ્સ લઇ રહ્યો હતો.

આથી ટીમ મેનેજમેન્ટે તેની આ ગેરશિસ્તને ન ચલાવવાનું નક્કી કરતાં તેને ભારત પરત મોકલી દેવાનો નિર્ણય કર્યો હતો.

જોકે આ થિયરીમાં વધુ વજન હોય તેવું જણાતું નથી. આ પાછળનું કારણ એવું પણ છે કે ગિલ સાથે આવેશ ખાનને પણ ભારત પરત મોકલવામાં આવી રહ્યો છે. આ  બંને આજની મેચ પત્યા બાદ ભારત આવવા રવાના થવાના છે. આવેશ ખાન પણ રિઝર્વ ખેલાડી છે. હવે ટીમ સાથે ફક્ત બે રિઝર્વ ખેલાડીઓ છે એક છે ખલીલ અહેમદ અને બીજો છે રીંકુ સિંઘ.

પેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ટીમ સાથે જોડાયેલા એક સૂત્ર પાસેથી  માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે શુભમન ગિલને પરત મોકલવા પાછળ ગેરશિસ્ત હોવાનું કોઈજ કારણ નથી. ટીમ પાસે પૂરતા ઓપનીંગ બેટ્સમેન છે આથી હવે ટીમને શુભમનની જરૂર નથી અને આથી તેને પરત મોકલાઈ રહ્યો છે.

જો સૂત્રનું કહેવું સાચું હોય તો ગિલે રોહિતને શા માટે અનફોલો કર્યો એ પ્રશ્નનો જવાબ હજી પણ અનુત્તર જ રહી જાય છે.

Back to top button