શ્રીલંકામાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. પીએમ મહિન્દ્રા રાજપક્ષેના રાજીનામા બાદ પણ લોકોનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો અને ગુસ્સે ભરાયેલ ટોળું હવે હિંસક બની ગયું છે. ઉશ્કેરાયેલા ટોળાએ સોમવારે માઉન્ટ લેવિનિયા વિસ્તારમાં પૂર્વ મંત્રી જોન્સન ફર્નાન્ડો અને સાંસદ સનથ નિશાંતના ઘરોને આગ ચાંપી દીધી હતી. કર્ફ્યુ હોવા છતાં હજારો લોકો કોલંબોની સડકો પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુસ્સે ભરેલું ટોળું એક પછી એક મહિન્દ્રા રાજપક્ષેના સમર્થકોને નિશાન બનાવી રહ્યું છે.
આ દરમિયાન અહેવાલ છે કે ઉશ્કેરાયેલા ટોળાએ કુરુણાગાલાના મેયર તુષારા સંજીવના ઘરને પણ આગ લગાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ સરકાર તરફી અને સરકાર વિરોધી જૂથો સામસામે આવી ગયા છે. મળતી માહિતી મુજબ, આ ભીષણ હિંસામાં એક સાંસદ સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે જ શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેએ ભારે દબાણ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દેશમાં રાજકીય સંકટને લઈને રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમના ભાઈ મહિન્દા રાજપક્ષેને રાજીનામું આપવા કહ્યું હતું.
શ્રીલંકા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ગંભીર મંદીનો સામનો કરી રહ્યું છે. દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. સરકારની વિદેશી આવક ખતમ થઈ ગઈ છે અને તે અર્થતંત્રને સંભાળવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. સરકારના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લોકો રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. દેશમાં ઈમરજન્સી લાગુ હોવા છતાં લોકો સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. દેશના લગભગ તમામ મજૂર અને વેપારી સંગઠનો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે.