અમદાવાદ, 29 ઓગસ્ટ 2024, શહેરના વાસણા ખાતેના મલા તળાવ રોડ ખાતે આવેલા જગન્નાથ મહાદેવ મંદિર ખાતે આજે જગન્નાથ મહાદેવ મંદિર પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ, શોભાયાત્રા, અભિષેક વિધિ, મૂર્તિ પ્રતિષ્ઠા, રામધુન અને મહાપ્રસાદનું આયોજન કરીને દિવસભર ઉજવણી કરાઈ હતી. અને ભગવાન રામ સાથે જગન્નાથને પણ યાદ કરવામાં આવ્યા હતા.
સવારથી સાંજ સુધી ઉજવણી કરાઇ
શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાત કરીએ તો સવારે 7:30 વાગ્યે યજ્ઞ પ્રારંભ કરાયો હતો. જે બાદ 8:30 થી 11 વાગ્યા સુધી શોભાયાત્રા જાહેર માર્ગો ઉપરથી નીકળી હતી. ત્યારબાદ સવારે 11 થી 12 વાગ્યા સુધી અભિષેક વિધિ કરવામાં આવી હતી અને બાદમાં બપોરે 12: 39 એ મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ હતી. અને સાંજે 4 થી 7ની વચ્ચે રામધુન બોલાવાઈ બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો તથા કૃષ્ણ ભક્તો જોડાયા હતા.
મહાદેવ સાથે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
આ સમગ્ર કાર્યક્રમ VHP કાર્યકર્તા ધવલ પંડ્યા, રામ ભક્ત હેતલ પટેલ, પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંગે પિયુષ પટેલે એચડી ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે 2004 માં વાસણા વિસ્તારમાં મહાદેવજી પોતે પ્રગટ થયા હતા જે બાદ અમારા પરિવાર દ્વારા અહીં મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને સતત આ જ સુધી એટલે કે 20 વર્ષ સુધી સતત અહીંયા રામધૂન ચાલતી આવે છે. અને ઘણા સમયથી અમારા દિલમાં હતું કે મહાદેવની સાથે ભગવાન રામની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, જે કાર્ય આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. અને હવેથી અહીંયા રોજ અખંડ રામધૂન ચાલશે અને સમગ્ર અમદાવાદમાં પાંચ અલગ અલગ જગ્યાએ અમારા થકી આવી રામધૂન ચાલે છે.
2004 થી દર ગુરુવારે અખંડ રામધૂન બોલાવાય છે
પ્રસંગ વિશે હેતલ પટેલે અમોની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અહીંયા 2004 થી દર ગુરુવારે એક કલાકની રામધૂન થાય છે અને દર વર્ષે 11 દિવસની અખંડ રામધૂન થાય છે જે 24 કલાક ચાલતી હોય છે અને જેમાં નાનાથી લઈને મોટા ઘરડા લોકો ભાગ હોય છે અને નાના નાના છોકરાઓ પણ ઢોલક વગાડતા શીખે છે. ખાસ કરીને હાલના સમયમાં જે નવું જનરેશન છે એ પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળ્યું છે પરંતુ અમારો પ્રયાસ છે કે તેમને પાછા લાવીને આપણી સંસ્કૃતિ અને ધર્મ વિશે માહિતગાર કરી આગળ વધારી શકાય.
આ પણ વાંચોઃનેશનલ સ્પોર્ટ્સ ડેઃ ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને ₹352 કરોડ થયું