શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ‘ખોડલધામ’ એપ્લિકેશન લોન્ચ કરાઈ
- શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે કડીરૂપ બનશે એપ્લિકેશન
- ‘ખોડલધામ’ એપ્લિકેશન મારફતે ભૂમિ સેવકો ભૂમિદાન મેળવી શકશે
રાજકોટ, 2 માર્ચ: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ હરહંમેશ સાંપ્રત ટેક્નોલોજીની મદદથી લોકઉપયોગી કાર્યો કરતું રહ્યું છે. સાંપ્રત સમયમાં ટેક્નોલોજીની મદદથી ગણતરીની પળોમાં વિશ્વના ખુણે પહોંચી શકાય અને લોકો સાથે જોડાઈ શકાય તેના માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ‘ખોડલધામ’ (Khodaldham) એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ
આજ રોજ 2 માર્ચને શનિવારના રોજ શ્રી ખોડલધામ મંદિર ખાતે ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે ‘ખોડલધામ’ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ટ્રસ્ટીઓ, ભૂમિદાન કો-ઓર્ડિનેટરો, ભૂમિ સેવકો સહિતના લોકોએ હાજરી આપી હતી. ‘ખોડલધામ’ એપ્લિકેશનના લોન્ચિંગ બાદ આ એપ્લિકેશનના ડેવલપર દ્વારા એપ્લિકેશન કેવી રીતે કામ કરશે તે અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલે એપ્લિકેશન બનાવનાર ડેવલપર ટીમના સભ્યોને ખોડલધામનો ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા.
મહત્વનું છે કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામ પાસે સર્વ સમાજના લાભાર્થે વૈશ્વિકકક્ષાની અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાનું આર્થિક યોગદાન આપી શકે તે માટે ભૂમિદાનની પહેલ શરૂ કરવામાં આવી છે.
આ ભૂમિદાન પહેલમાં ‘ખોડલધામ’ એપ્લિકેશન કડીરૂપ ભૂમિકા ભજવશે. વિશ્વના કોઈપણ ખુણેથી કોઈપણ વ્યક્તિ પાસેથી ‘ખોડલધામ’ એપ્લિકેશન મારફતે ભૂમિ સેવકો ઓનલાઈન માધ્યમથી ભૂમિદાન મેળવી શકશે. કોઈપણ વ્યક્તિ ભૂમિ સેવકનો સંપર્ક કરીને ‘ખોડલધામ’ એપ્લિકેશન મારફતે પ્રતિ ચોરસવારના રૂપિયા 2500/-ના ગુણાંકમાં ભૂમિદાન આપી શકશે. ભૂમિસેવકો ભૂમિદાન કરનાર દાતાની તમામ વિગતો આ એપ્લિકેશનમાં દાખલ કરશે અને ત્યારબાદ દાતા ચેક અથવા ઓનલાઈન માધ્યમથી ભૂમિદાનની રકમ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે.
ખોડલધામ એપ્લિકેશનમાં હાલ ભૂમિદાન માટેની સુવિધા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ એપ્લિકેશનમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની તમામ માહિતી, કાર્યક્રમોની વિગત, માતાજીના દરરોજના દર્શન, આરતી, બુકિંગ, સંગઠનની માહિતી વગેરે મૂકવામાં આવશે, જેથી ખોડલધામ પરિવાર તેમજ સર્વે લોકો સુધી ઝડપથી પહોંચી શકાશે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના મંત્રીમંડળે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા