શ્રદ્ધા હત્યાકાંડ : આફતાબનો પહેલા નાર્કો નહીં પૉલીગ્રાફ ટેસ્ટ થશે
શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ પહેલા નહીં થાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાર્કો ટેસ્ટ પહેલા આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. પરંતુ, એ પહેલા કોર્ટમાંથી તેની પરવાનગી લેવામાં આવશે. દિલ્લી પોલીસને કોર્ટમાંથી અનુમતિ મળ્યા બાદ 10 દિવસમાં હત્યાકાંડના આરોપી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. આફતાબ હત્યાકાંડને લઈ સતત પોલીસને ગુમરાહ કરી રહ્યો છે અને પોતાના નિવેદનો બદલી રહ્યો છે. એવામાં આફતાબ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં નાર્કો ટેસ્ટને ખૂબ જ મહત્વનો માની રહી છે.
દિલ્હીના તળાવમાં આફતાબે શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું
અત્યારે દિલ્હી પોલીસની ટીમો હિમાચલ પ્રદેશના પાર્વતી વેલી વિસ્તાર, દેહરાદૂન અને ઋષિકેશમાં પણ સર્ચ-ઓપરેશન ચલાવી રહી છે. પોલીસે ત્રીજા દિવસે છત્તરપુર જિલ્લાના મહરૌલી જંગલમાંથી ખોપરી અને કેટલાંક હાડકાં કબજે કર્યાં છે. અત્યારસુધીમાં 17 હાડકાં મળ્યાં છે, ત્યારે આફતાબે દિલ્હી પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે શ્રદ્ધાનું માથું દિલ્હીના તળાવમાં ફેંક્યું હતું. આ માહિતી પછી દિલ્હી પોલીસ રવિવારે સાંજે છતરપુર જિલ્લાના મેદાન ગઢી પહોંચી અને અહીં આવેલા એક તળાવને ખાલી કરવાનું કામ શરૂ કર્યું હતું. જોકે શ્રદ્ધાનું માથું હજુ સુધી મળ્યું નથી.
7 દિવસમાં મળ્યા 11 પુરાવા
પોલીસ આ કેસના તમામ પાસાઓને તપાસી રહી છે. આફતાબની માનસિક સ્થિતિને પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે. અને તે વચ્ચે ઘટના સામે આવ્યા બાદ છેલ્લા 7 દિવસમાં પોલીસે આફતાબ વિરુદ્ધ 11 પુરાવા ભેગા કર્યા છે. જેમાં આફતાબના ઘરેથી મળેલી બેગ, શ્રદ્ધાના પિતા અને મિત્રોના નિવેદન, કોલ રેકોર્ડિંગ અને લોકેશન સંબંધિત ડેટા, શ્રદ્ધાના બેંક ખાતાના ટ્રાન્ઝેક્શનની વિગતો, કિચનમાંથી મળેલા લોહીના ડાઘ, જંગલમાંથી મળેલા 17 હાડકાં, આફતાબના હાથ પર થયેલી ઈજા અને તેની સારવાર કરનાર ડૉક્ટરનું નિવેદન, બોડીને રાખવા ખરીદેલા ફ્રિજનું બિલ, આફતાબને છરી વેચનાર દુકાનદારનું નિવેદન, આફતાબનું કબુલાતનામું તેમજ ડેટિંગ એપ બંબલના ડેટાના આધારે પોલીસે આ સમગ્ર કેસને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે.