ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

બનાસકાંઠામાં ડિઝલના શોર્ટ સપ્લાયથી ખેડૂતોમાં ઉચાટ, ૨૫ થી ૩૦ ટકા ડિઝલમાં કાપ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લો ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે. અને હાલમાં ચોમાસુ ખેતીના વાવેતરની શરૂઆત થવાની છે. જેને લઇને ખેડૂતોને ખેતીના સાધનો ચલાવવા માટે જરૂરી એવા ડિઝલનો જથ્થો પૂરતો ના મળવાથી તેઓ ઉચાટ અનુભવી રહ્યા છે. અત્યારે ડિઝલ ની કુલ જરૂરિયાત સામે 25 ટકાથી વધુ ડિઝલમાં કાપ આવી ગયો છે.

ડિઝલ માટે ખેડૂતોને રાહ જોવી પડી રહી છે
રાજ્યમાં ડિઝલ -પેટ્રોલના જથ્થા ના સપ્લાય ને લઈને પેટ્રોલ પમ્પો પર લાંબી કતારો જોવા મળી રહી છે. પેટ્રોલ તો ઠીક, પણ ડીઝલમાં સ્થિતિ કંઈ સારી નથી. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કંપનીઓના અંદાજે 250થી વધુ પેટ્રોલ પંપો આવેલા છે. જ્યાં રોજનું ૧૨થી ૧૩ લાખ લીટર ડીઝલ -પેટ્રોલનું વેચાણ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ડિઝલના શોર્ટ સપ્લાયને લઈને ખેડૂતો પરેશાન છે. અત્યારે પુરવઠાના જથ્થામાં 25 થઈ 30 ટકા જેટલો શોર્ટ સપ્લાય આવી રહ્યો છે. જોકે કંપનીઓ આ મુશ્કેલીને નિવારવા પ્રયાસ કરી રહી છે. છતાં પણ માંગ સામે ડિઝલનો પુરતો જથ્થો ના આવવાથી ખેડૂતો હાલની પરિસ્થિતિમાં પરેશાની ભોગવી રહ્યા છે.

ડિઝલ આવ્યા સમાચાર મળતા ટ્રેક્ટર લઈને દોટ મૂકે છે
ચોમાસાની સિઝન સામે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને જેવા સમાચાર મળે કે, પેટ્રોલ પંપ ઉપર ડિઝલ આવ્યું છે, તેની સાથે જ તેઓ ટ્રેકટર સાથે પેટ્રોલ પંપ તરફ દોટ મૂકે છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ દરેક ટ્રેકટરચાલક ને ૫૦ લીટર ડીઝલ આપીને વધુ લોકો સુધી જથ્થો પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતારો

કન્ઝ્યુમર પેટ્રોલ પંપ બંધ
બનાસકાંઠામાં કેટલા કન્ઝ્યુમર પંપ આવેલા છે. જેમાં એસ.ટી. વિભાગ અને ક્વોરી તેમજ મોટી કંપનીઓના કન્ઝ્યુમર પમ્પ આવેલા છે. પરંતુ તેમને ભાવ વધારાના કારણે ડિઝલ મોંઘુ પડે છે. જેથી તેમને પમ્પ બંધ કરીને હવે ખાનગી પેટ્રોલ પંપ ઉપરથી ડીઝલનો જથ્થો મેળવવાનું શરૂ કર્યું છે. જેને લઇને એસ.ટી.બસોની લાંબી લાંબી કતારો અત્યારે ખાનગી પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે.

જયાંથી ડીઝલ મળે લોકો દોડે છે
બનાસકાંઠા જિલ્લામાં ડીઝલનો પુરવઠો ના મળે તો પાડોશી જિલ્લા પાટણના સિદ્ધપુર સુધી પણ ખેડૂતો કોઈપણ રીતે ડિઝાઇન મેળવવા માટે જતા હોવાનું જાણવા મળ્યું છે. ટૂંકમાં ખેતી માટે જરૂરી ડિઝલ વગર હવે ચાલશે નહીં, એની ચિંતામાં ખેડૂત બીજા જિલ્લામાંથી પણ ડિઝલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સરકારને પણ રજૂઆત કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં આવેલ પેટ્રોલ પમ્પ પર પૂરતો ડીઝલનો જથ્થો મળી રહે, તે માટે રાજ્ય સરકારના મંત્રી નરેશભાઇ પટેલને રાજ્યના દરેક જિલ્લાના પ્રતિનિધિઓ અને તેલની ત્રણેય કંપનીના અધિકારીઓને સાથે રાખીને એક બેઠક યોજાઈ હતી. જેમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો પૂરતો મળી રહે અને પેટ્રોલ પમ્પ ડ્રાય ન રહે તે માટે યોગ્ય કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

Back to top button