ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વધુ એકવાર ફાયરિંગની ઘટના બની છે. જેમાં ઇન્ડિયાનાના શોપિંગ મોલમાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. આ વાતની પુષ્ટિ કરતા ઈન્ડિયાનાના મેયરે કહ્યું કે, ગ્રીનવુડ પાર્ક મોલમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. અન્ય ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગ્રીનવુડ પોલીસે તેમના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી છે. સ્થળ પર હાજર લોકોને વધુ વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ કંઈ નવી નથી. ગન વાયોલન્સ આર્કાઈવ અનુસાર, એક વર્ષમાં 40 હજારથી વધુ ગોળીબારમાં મોત થયા છે.
હ્યુસ્ટન એપાર્ટમેન્ટમાં ગોળીબાર
ચારના મોતહેરિસ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને શનિવારે મોડી રાત્રે ગોળી મારવામાં આવેલા ચાર માણસો મળ્યા હતા. તેમણે કહ્યું કે ત્રણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચોથાનું હોસ્પિટલમાં લઈ જવાયા બાદ મોત થયું હતું.
શેરિફ એડ ગોન્ઝાલેઝે ટ્વિટર પર જણાવ્યું હતું કે, મૃતકોમાંથી બે 16 વર્ષના હતા, એક 19 અને એક 25 વર્ષનો હતો. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, સાક્ષીઓએ મૃતકો સહિત ઘણા પુરુષોને ઝઘડા પછી એકબીજા પર ગોળીબાર કરતા જોયા હતા. શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, હાલમાં ઘટના પાછળના હેતુ અથવા આરોપી વિશે કોઈ માહિતી નથી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.